મહારાષ્ટ્રમાં 16 માઓઈસ્ટ નક્સલવાદીઓનો ખાતમો

0
1269

ગડચિરોલી (મહારાષ્ટ્ર) – મહારાષ્ટ્ર પોલીસ દળના જવાનોએ આજે રાજ્યના વિદર્ભ પ્રાંતના ગડચિરોલી જિલ્લામાં મોટું ઓપરેશન હાથ ધરીને ઓછામાં ઓછા 16 માઓઈસ્ટ નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. નક્સલવાદીઓ વિરુદ્ધ મહારાષ્ટ્રના પોલીસ દળે અત્યાર સુધીમાં મેળવેલી આ સૌથી મોટી સફળતા છે.

મૃતક બળવાખોરોમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે. એમાં એક દંપતી પણ છે, જે હાઈ-રેન્કિંગ યુનિટ કમાન્ડર્સ હતું.

ગડચિરોલી જિલ્લાના એટાપલ્લી તાલુકાના જંગલમાં આજે સવારે લગભગ 7 વાગ્યાના સુમારે પોલીસ કમાન્ડોની C-60 ટૂકડી માઓવાદી-વિરોધી ઓપરેશન દરમિયાન આગળ વધી રહી હતી ત્યારે બળવાખોરોએ એમની પર અચાનક હુમલો કર્યો હતો.

પોલીસોએ એનો વળતો જવાબ આપ્યો હતો અને સામસામો ગોળીબાર શરૂ થયો હતો. એ ગોળીબાર પાંચ કલાક સુધી – 11.30 વાગ્યા સુધી ચાલ્યો હતો.

આ એક્શન લઈને મહારાષ્ટ્રના સુરક્ષા દળોએ છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલવાદીઓએ સુરક્ષા જવાનોની કરેલી હત્યાનો બદલો લઈ લીધો છે.

એવું મનાય છે કે આજના એન્કાઉન્ટરમાં આ વિસ્તારમાં સક્રિય નક્સલવાદીઓનું એક આખું દળ ખલાસ થઈ ગયું છે. એમાં હાઈ-રેન્કિંગ કમાન્ડર્સ તથા મોસ્ટ-વોન્ટેડ માઓઈસ્ટનો સમાવેશ થાય છે.

ગડચિરોલી જિલ્લામાં નક્સલવાદી ચળવળનો આરંભ 38 વર્ષ પહેલાં થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ સૌથી મોટું પોલીસ એક્શન ગણાય છે.