મુંબઈની નાયર હોસ્પિટલમાં MRI મશીનમાં ખેંચાઈ જવાથી યુવકનું મૃત્યુ

મુંબઈ – અત્રે મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં આવેલી રાજ્ય સરકાર હસ્તકની નાયર હોસ્પિટલમાં બનેલા એક વિચિત્ર બનાવમાં, વિશાળ કદના એક મેગ્નેટિક રીઝોનન્સ ઈમેજિંગ (એમઆરઆઈ) મશીનમાં ફસાઈ જવાથી 32 વર્ષના ગુજરાતી-કચ્છી યુવક રાજેશ મારુનું મૃત્યુ નિપજ્યું છે. આ કરૂણ બનાવ ગઈ કાલે શનિવારે રાતે બન્યો હતો. અગ્રીપાડા વિસ્તારની પોલીસે આ બનાવના સંબંધમાં ભારતીય ફોજદારી ધારાની કલમ 304 હેઠળ હોસ્પિટલના સત્તાવાળાઓ સામે સદોષ માનવ વધ (ઈરાદાહીન) ગુનો નોંધ્યો છે.

એક ગાર્મેન્ટ શોપમાં સેલ્સમેન તરીકે કામ કરતા રાજેશ મારુ ગયા શનિવારે રાતે લગભગ 8.30 વાગ્યાના સુમારે નાયર હોસ્પિટલમાં દાખલ કરેલા એમના એક સંબંધીનાં હરીશ સોલંકીના માતાના ખબરઅંતર પૂછવા માટે હોસ્પિટલ ગયા હતા. એ વખતે તેઓ દર્દીને ઓક્સિજન આપવા માટે ઓક્સિજન સિલિન્ડર સાથે એમઆરઆઈ મશીન રાખેલા રૂમમાં પ્રવેશ્યા હતા, પરંતુ ચૂંબકીય બળને લીધે તેઓ પોતે જ મશીનમાં ખેંચાઈ ગયા હતા અને ગણતરીની મિનિટોમાં જ એમનું મૃત્યુ થયું હતું.

મારુના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલના સ્ટાફની બેદરકારીને કારણે રાજેશનું મૃત્યુ નિપજ્યું છે. પરિવારજનોનો દાવો છે કે એમઆરઆઈ રૂમમાં ધાતુની કોઈ ચીજવસ્તુઓને લઈ જવા દેવામાં આવતી નથી તે છતાં રાજેશને ઓક્સિજન સિલિન્ડર સાથે તે રૂમમાં બોલાવવામાં આવ્યો હતો. મશીનના મેગ્નેટિક બળને લીધે રાજેશ મશીનમાં ખેંચાઈ ગયા હતા.

રાજેશના પરિવારજનો તથા તે વિસ્તારના ભાજપના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ હોસ્પિટલના ડીનની કેબિનની અંદર વિરોધ કર્યો હતો અને ગુનેગાર સામે તત્કાળ પગલાં લેવાની માગણી કરી હતી.

રાજેશ મારુને ઓક્સિજન સિલિન્ડર આપનાર વોર્ડબોયને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

મારુના એક સંબંધી નારણભાઈ જિતિયાએ કહ્યું કે, રાજેશનું મૃત્યુ થયાનું જાણી અમને આંચકો લાગ્યો હતો. હોસ્પિટલના ડોક્ટરો તથા ટેકનિકલ સ્ટાફની બેદરકારીને કારણે આમ થયું છે. એમઆરઆઈ રૂમની અંદર ઓક્સિજન સિલિન્ડર લઈ જવું ન જોઈએ એવું રાજેશને જણાવવા માટે રૂમની બહાર એકેય સુરક્ષા ગાર્ડ હાજર નહોતો. સાવચેતી લેવાની જવાબદારી ડોક્ટરો અને ટેક્નિશિયનોની છે. રાજેશને જ્યારે રૂમની અંદર બોલાવવામાં આવ્યો હતો ત્યારે મશીન ઓન કરેલું હતું. તેથી જેવો રૂમની અંદર પ્રવેશ્યો કે તરત જ મશીનમાંના મેગ્નેટિક બળે એને ખેંચી લીધો હતો અને માત્ર બે જ મિનિટમાં એનું મૃત્યુ થયું હતું.

મારુના મૃતદેહને પોસ્ટ-મોર્ટમ માટે જે.જે. હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.

પોલીસે રાજેશ મારુના મૃત્યુના કેસના સંબંધમાં નાયર હોસ્પિટલના ડોક્ટર સિદ્ધાંત શાહ, વોર્ડબોય વિઠ્ઠલ ચવાણ અને મહિલા વોર્ડ એટેન્ડન્ટ સુનીતા સુર્વે સામે ગુનો નોંધ્યો છે અને એમને અટકમાં લીધાં છે.

રાજેશ મારુ એમના એક સંબંધી હરીશ સોલંકીની સાથે નાયર હોસ્પિટલ ગયા હતા. હોસ્પિટલમાં સોલંકીના માતાનું એમઆરઆઈ કરાવાનું હતું. રૂમની બહાર બેઠેલા વોર્ડ બોયે રાજેશની સોનાની ચેન, વીંટી સહિત બધું ઉતરાવી દીધું હતું. રાજેશના હાથમાં ઓક્સિજન સિલિન્ડર પણ હતું, પણ વોર્ડ બોયે એમ કહીને એને અંદર જવાનું કહ્યું હતું કે મશીન બંધ છે.

હોસ્પિટલના સત્તાવાળાઓએ બનાવનું સીસીટીવી ફુટેજ પોલીસને સુપરત કર્યું છે. વધુ તપાસ ચાલી રહી છે.

દરમિયાન, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજેશ મારુના પરિવાર માટે રૂ. પાંચ લાખના વળતરની જાહેરાત કરી છે.