મહારાષ્ટ્રમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓને આજીવન કેદ થશે

મુંબઈ – મહારાષ્ટ્ર રાજ્યમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળને બિન-જામીનપાત્ર ગુનો બનાવવામાં આવનાર છે અને ગુનેગારને આજીવન કેદની સજા થશે.

મહારાષ્ટ્ર સરકારે આ જાહેરાત કરી છે.

રાજ્યના અન્ન અને જાહેર પુરવઠા પ્રધાન ગિરીશ બાપટે વિધાનપરિષદમાં એવી જાણ કરી હતી કે સરકાર હાલના કાયદામાં સુધારો કરશે.

પ્રીવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન (મહારાષ્ટ્ર એમેન્ડમેન્ટ) એક્ટમાંનો સુધારો રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.

ખાદ્યપદાર્થોમાં ભેળસેળના પરિણામોથી સરકાર વાકેફ છે અને આ ગેરપ્રવૃત્તિને રોકવા માટે તે પ્રતિબદ્ધ છે.

કોંગ્રેસના વિધાનસભ્ય ભાઈ જગતાપે કહ્યું કે મિલ્ક પ્રોસેસિંગ કંપનીઓ કિસાનો પાસેથી દૂધ ખરીદે છે, પરંતુ દૂધ ગ્રાહકો સુધી પહોંચે ત્યાં સુધીમાં ‘ઝેરી’ બની જતું હોય છે. દૂધની જાળવણી કરવા માટે એમાં ડીટરજન્ટ પાવડર, યુરિયા, સ્કિમ્ડ મિલ્ક પાવડર, કોસ્ટિક સોડા, ગ્લુકોઝ, રીફાઈન્ડ ઓઈલ, નમક, સ્ટાર્ચ જેવી ચીજવસ્તુઓ ભેળવવામાં આવે છે અને ત્યારબાદ એનો ઉપયોગ કરનાર લોકોના જાન જોખમમાં મૂકાય છે.

લોકો ખાદ્યપદાર્થોમાં ભેળસેળને આસાનીથી ઓળખી શકતાં નથી અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા સરપ્રાઈઝ ઝડતીઓ લેવાય છે ત્યારે પણ આવી ગેરપ્રવૃત્તિઓ બેરોકટોક ચાલુ રહે છે.

પ્રીવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન (મહારાષ્ટ્ર અમેન્ડમેન્ટ) એક્ટ, 1969 રાજ્ય વિધાનસભાના વર્તમાન શિયાળુ સત્રના અંત પહેલાં જ રજૂ કરવામાં આવે.

આ ગુનાને બિન-જામીનપાત્ર કરાયા બાદ લાગુ થનાર કાયદા હેઠળ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓને આજીવન કેદ થશે.