મુંબઈથી 81 ડોક્ટરોની ટૂકડી સેંકડો ટન રાહત સામગ્રી સાથે કેરળ રવાના

મુંબઈ – કેરળમાં પૂરગ્રસ્તોને મદદરૂપ થવા માટે મુંબઈ અને પુણેમાંથી એકત્ર થયેલા 81 ડોક્ટરોની એક ટૂકડી તબીબી રાહત પુરવઠા સાથે આજે એર ઈન્ડિયાની એક ફ્લાઈટ દ્વારા કેરળ જવા રવાના થઈ હતી.

આ ટૂકડીમાં મુંબઈની સર જે.જે. હોસ્પિટલના 55 ડોક્ટરો છે અને પુણેની સસૂન હોસ્પિટલના 26 ડોક્ટરો છે. મહારાષ્ટ્રના તબીબી શિક્ષણ ખાતાના પ્રધાન ગિરીશ મહાજને આ જાણકારી આપી હતી.

કેરળમાં પૂરનાં પાણી ઓસરી રહ્યાં છે અને હવે રોગચાળો ફાટી નીકળવાનો ભય હોવાથી લોકોને મદદરૂપ થવા માટે મુંબઈ-પુણેથી આ ડોક્ટરો ગયા છે જેઓ કેરળમાં અન્ય ડોક્ટરોની ટૂકડીઓ સાથે મળીને સેવા બજાવશે.

દરમિયાન, મહારાષ્ટ્ર સરકારના સંકલન હેઠળ અનેક સંસ્થાઓ અને સંગઠનોએ પાંચ ટન રાહત પુરવઠો એકઠો કર્યો છે. જેમાં ફૂડ પેકેટ્સ, દૂધ પાવડર, બ્લેન્કેટ્સ, બેડશીટ્સ, પહેરવાનાં વસ્ત્રો, સાબુ, સેનિટરી નેપ્કિન્સ વગેરેનો સમાવેશ થાય છે. આ રાહત પુરવઠો પણ એર ઈન્ડિયા વિમાન દ્વારા કેરળ રવાન કરાયો છે.

મહારાષ્ટ્ર સરકાર તરફથી ગત બે દિવસમાં 30 ટન રાહત સામગ્રી પુરવઠો મોકલવામાં આવ્યો હતો. તદુપરાંત સરકાર તરફથી રૂ. 20 કરોડની રોકડ દાનની રકમ પણ મોકલવામાં આવી છે.

નવી મુંબઈ કેરાલા ભવને 200 ટન રાહત સામગ્રી એકઠી કરી છે. જે એમણે ભારતીય નૌકાદળ, ભારતીય કોસ્ટગાર્ડ અને રો-રો જહાજો મારફત મોકલી છે.

મુંબઈની પડોશમાં આવેલા મીરા રોડ ઉપનગરના આઝાદ ફેરીવાલે સંગઠનના સેંકડો સભ્યોએ સ્વૈચ્છિક રીતે અનેક પ્રકારની રાહત સામગ્રી એકઠી કરી છે, જે એક ટન જેટલી થવા જાય છે. આ બધી સામગ્રી મીરા રોડસ્થિત અયપ્પા સ્વામી મંદિર ટ્રસ્ટ મારફત કેરળ મોકલવામાં આવી છે.

મુંબઈમાં ઠેકઠેકાણે અસંખ્ય નાગરિકો પણ રાહત સામગ્રી એકઠી કરી રહ્યા છે અને સંબંધિત સત્તાવાળાઓ મારફત કેરળ મોકલાવી રહ્યા છે.