મહારાષ્ટ્રમાં એસ.ટી. બસ કર્મચારીઓ ઓચિંતા હડતાળ પર ઉતરી ગયા

મુંબઈ – મહારાષ્ટ્ર રાજ્યમાં એસ.ટી. બસ કર્મચારીઓ ગઈ મધરાતથી ઓચિંતી હડતાળ પર ઉતરી ગયા છે. એને કારણે બસપ્રવાસીઓ અત્યંત હાલાકીમાં મૂકાઈ ગયા છે.

કર્મચારીઓ પગારવધારો તેમજ અન્ય માગણીઓના ટેકામાં હડતાળ પર ઉતરી ગયા છે.

મહારાષ્ટ્ર રાજ્ય એસ.ટી. મહામંડળે જાહેર કરેલા નવા વેતન કરાર અંગે કર્મચારીઓ નારાજ થયા છે અને તેઓ ગુરુવારે મધરાતથી જ હડળા પર ઉતરી ગયા છે. રાજ્યમાં અનેક એસ.ટી. ડેપો ખાતે ‘કામ બંધ’ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

કરાર અનુસાર વેતનમાં અપાનાર વધારો કર્મચારીઓની માગણી કરતાં ઘણો ઓછો છે એટલે કર્મચારીઓમાં રોષની લાગણી ફરી વળી હોવાનું કહેવાય છે.

આ આંદોલન કે હડતાળનું એલાન કોઈ અધિકૃત કામદાર સંગઠને કર્યું નથી, પરંતુ કર્મચારીઓએ પોતાની રીતે આંદોલન શરૂ કર્યું છે.

એસ.ટી. મહામંડળના સૂત્રો તરફથી જણાવવામાં આવ્યું છે કે કર્મચારીઓએ હડતાળ અંગે કોઈ સત્તાવાર નોટિસ આપી નહોતી. તેથી આને હડતાળ તરીકે ગણવામાં નહીં આવે, પરંતુ વહીવટીતંત્ર વિરુદ્ધના આંદોલન તરીકે ગણવામાં આવશે.

મુંબઈમાં પરેલ ડેપો ખાતે આજે સવારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એસ.ટી. બસ સેવા અટકાવી દેવાઈ હતી. મુંબઈ સેન્ટ્રલ, પનવેલ, થાણે જિલ્લામાં એસ.ટી. બસ ડેપો ખાતે બસ સેવા ચાલુ છે.