સ્ત્રીઓનું અપમાન કરતી કમેન્ટ્સ બદલ મહારાષ્ટ્રના પ્રધાનને માફી માગવી પડી

0
2241

મુંબઈ – ‘દારૂની બ્રાન્ડ્સને સ્ત્રીઓનાં નામ આપવા જોઈએ જેથી એનું વેચાણ ખૂબ વધી શકે.’ ગઈ કાલે રવિવારે એક કાર્યક્રમમાં આવી ફાલતુ કમેન્ટ્સ કરનાર મહારાષ્ટ્રના પાણીસાધન ખાતાના પ્રધાન ગિરીશ મહાજનને આખરે આજે માફી માગવી પડી છે.

મહાજને આવી કમેન્ટ કર્યા બાદ સરકારમાં ભાજપના ભાગીદાર શિવસેના પક્ષે એમની જોરદાર રીતે ઝાટકણી કાઢી હતી. શિવસેનાની જેમ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીએ પણ મહાજનની સખત શબ્દોમાં ટીકા કરી હતી. આમ આદમી પાર્ટીનાં મહિલા નેતા પ્રીતિ શર્મા-મેનને એક વિડિયો ક્લિપમાં મહાજનની ટીકા કરીને માગણી કરી હતી કે એમણે માફી માગવી જ જોઈએ.

મહાજને કહ્યું છે કે સોરી, મારો ઈરાદો મહિલાઓની લાગણીને દુભાવવાનો નહોતો. મેં તો રમૂજમાં એમ કહ્યું હતું.

મહાજને નંદુરબાર શહેરમાં એક સહકારી સાકર કારખાનામાં યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે લિકરની બ્રાન્ડ્સનું વેચાણ વધારવું હોય તો એમને સ્ત્રીઓનાં નામ આપવા જોઈએ.

મહાજને કહ્યું હતું કે સાકરના કારખાનાના માલિકે મને એવી જાણકારી આપી હતી કે એમની ડિસ્ટીલરીમાં જે બ્રાન્ડનો દારૂ બનાવવામાં આવે છે એનું માર્કેટમાં કોઈ વેચાણ થતું નથી. એટલે મેં એમને પૂછ્યું હતું કે તમારી બ્રાન્ડના દારૂનું નામ શું છે – તો એમણે કહ્યું કે મહારાજા. એટલે મેં એમને કહ્યું કે તમે નામ બદલીને મહારાણી રાખો તો વેચાણ વધશે.

મહાજને એમ પણ કહ્યું હતું કે જે ડિસ્ટીલરીઓનો બિઝનેસ ધૂમ ચાલી રહ્યો છે એમના દારૂની બ્રાન્ડના નામ જુલી, બોબી જેવા રાખવામાં આવ્યા છે.

મહાજને એક ડગલું આગળ વધીને એમ પણ કહ્યું હતું કે તમાકુની જે બ્રાન્ડ્સને મહિલાઓનાં નામ આપવામાં આવ્યા છે એ પણ ધૂમ વેચાણ કરી રહી છે.

(જુઓ ને સાંભળો ગિરીશ મહાજનનું એ ભાષણ)

મહાજનની આ કમેન્ટની ઝાટકણી કાઢતા શિવસેનાએ કહ્યું કે એક બાજુ, મહારાષ્ટ્રના અનેક ભાગોમાં સ્ત્રીઓ પુરુષોને દારૂની લતમાંથી છોડાવવાનો પ્રચાર કરી રહી છે ત્યારે બીજી બાજુ, આ પ્રધાન મહાજન ઈચ્છે છે કે દારૂનો ધંધો વધારવા માટે સ્ત્રીઓએ એની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવી જોઈએ.

કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ અશોક ચવાણ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાજ્ય પ્રવક્તા નવાબ મલિકે પણ મહાજનની ટીકા કરી છે.

‘આપ’નાં પ્રવક્તા પ્રીતિ શર્મા-મેનને માગણી કરી હતી કે સ્ત્રીઓનું અપમાન કરવા બદલ મહાજન બિનશરતી માફી માગે. એવું લાગે છે કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો એમના પ્રધાનો પર કોઈ અંકુશ નથી. ફડણવીસે જ રાજીનામું આપી દેવું જોઈએ.

(સાંભળો પ્રીતિ શર્મા-મેનનનું વિડિયો નિવેદન)