મહારાષ્ટ્રમાં ગ્રામ પંચાયત ચૂંટણીનો બીજો તબક્કોઃ ભાજપે ૧,૩૧૧ બેઠક જીતી

મુંબઈ – મહારાષ્ટ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના બીજા તબક્કામાં શાસક ભારતીય જનતા પાર્ટીએ જોરદાર દેખાવ કર્યો છે. એણે કુલ ૧,૩૧૧ બેઠકો કબજે કરી છે જ્યારે કોંગ્રેસે ૩૧૨, શિવસેનાએ ૨૯૫, NCPએ ૨૯૭ તથા અન્ય પક્ષો, અપક્ષ ઉમેદવારોએ ૪૫૩ બેઠકો પર જીત મેળવી છે.

આમ, ભાજપને મહારાષ્ટ્રના ગ્રામિણ વિસ્તારોમાં પણ સારો એવો ટેકો મળ્યો છે.

બીજા તબક્કામાં, રાજ્યના ૧૬ જિલ્લાઓમાં ૩,૬૯૨ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પરિણામ અંગે ખુશી વ્યક્ત કરી છે. એમણે ટ્વિટર પર લખ્યું છેઃ ‘ગ્રામ પંચાયત ચૂંટણીના બીજા તબક્કામાં સરસ પરિણામ. થેંકયૂ મહારાષ્ટ્ર.’

જોકે, ભાજપને એક આંચકો લાગ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દત્તક લીધેલા ગામ ફેત્રીમાં ભાજપના ઉમેદવારનો પરાજય થયો છે. ત્યાં કોંગ્રેસ-NCPના સંયુક્ત મહિલા ઉમેદવારની જીત થઈ છે. ધનશ્રી ડોમને ત્યાં સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યાં છે.

રાજ્યમાં પહેલી જ વાર, એક તૃતિયપંથી ઉમેદવાર ચૂંટણીમાં વિજયી થયો છે. જ્ઞાનદેવ શંકર કાંબળે સોલાપુર જિલ્લાના તારંગફાલ ગામમાં ચૂંટણી જીતીને સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. એણે છ હરીફ ઉમેદવારોને પરાજય આપ્યો છે.

ભાજપે ભંડારા જિલ્લામાં ૧૯૧ અને ગોંદિયામાં ૧૪૭ બેઠકો જીતી છે.

સિંધુદુર્ગ જિલ્લામાં ભાજપે ૭૧ બેઠક જીતી છે તો સાંગલીમાં ૧૩૭ અને અમરાવતીમાં ૧૫૦ બેઠક પર કબજો મેળવ્યો છે.

નાગપુર અને કોલ્હાપુર જિલ્લાઓમાં ભાજપે અનુક્રમે ૧૨૬ અને ૧૧૧ બેઠકો મેળવી છે.

સાતારાના મયાની ગામમાં ભાજપના સચીન મોહનરાવ ગુડગે જીત્યા છે. આ ગામમાં ૬૦ વર્ષમાં પહેલી જ વાર ભાજપના ઉમેદવારની જીત થઈ છે.