મહારાષ્ટ્રના ‘બજેટ 2019-20’માં મુંબઈને શું મળ્યું?

મુંબઈ – મહારાષ્ટ્ર સરકારે એની વર્તમાન ટર્મના આજે રજૂ કરેલા આખરી, અતિરિક્ત બજેટમાં મુંબઈ માટે શું ફાળવણી કરી છે એ વિશે મુંબઈગરાંઓને ઉત્સૂક્તા હશે. નાણાં પ્રધાન સુધીર મુનગંટીવારે આજે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. સરકારે ગયા ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને કારણે સરકાર સંપૂર્ણસ્તરનું બજેટ રજૂ કરી શકે એમ નહોતી. રાજ્યનું બજેટ રૂ. 20,292 કરોડની મહેસુલી ખાધવાળું છે. બજેટમાં મુંબઈને આટલો લાભ અપાયો છેઃ

સાયન-પનવેલ હાઈવે

મુંબઈના સાયન અને નવી મુંબઈના પનવેલ વચ્ચે ટ્રાફિકની કાયમ હાડમારી રહેતી હોય છે. આ સમસ્યાનો અંત લાવવા માટે સરકારે થાણે ખાડી પર પૂલ નંબર-3 બાંધવાનું નક્કી કર્યું છે. એ માટે તેણે બજેટમાં 775 કરોડ, 58 લાખ રૂપિયાના ભંડોળની ફાળવણી કરી છે. આ પૂલનું બાંધકામ ટૂંક સમયમાં જ શરૂ કરાય એવી ધારણા છ.ે

મુંબઈ-પુણે એક્સપ્રેસવે

મુંબઈ અને પુણે શહેરોના નાગરિકો માટે મહત્ત્વ તથા અત્યંત સુવિધાજનક ગણાતા મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર વધારે સુવિધા આપવાનું સરકારે નક્કી કર્યું છે. આ માર્ગનું અંતર ઘટાડવા માટે અનેક ઠેકાણે સમારકામ અને બાંધકામ કરવામાં આવશે જેથી વાહનો વહેલા એમના ગંતવ્ય સ્થાનોએ પહોંચી શકશે. આ માટે કુલ 6 હજાર 695 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને એ માટે બજેટમાં ફાળવણી મંજૂર કરવામાં આવી છે.

નાગપુર-મુંબઈ સમુદ્રી હાઈવે

મહારાષ્ટ્રના પાટનગર મુંબઈ અને શિયાળુ પાટનગર નાગપુર વચ્ચે સમુદ્રી હાઈવે બાંધવામાં આવશે. એ માર્ગ માટે જમીન હાંસલ કરવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટ 16-તબક્કામાં કરાશે. એમાંના 14-તબક્કા પર કામકાજ શરૂ કરી દેવાનો આદેશ સંબંધિત વિભાગોને આપવામાં આવ્યો છે.

સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સ, આર્કિટેક્ચર એન્ડ એપ્લાઈડ આર્ટ્સ ખાતે સુવિધાઓ ઊભી કરવા માટે રૂ. 150 કરોડની ફાળવણી કરવામાં આવી છે.