મહારાષ્ટ્ર સરકારે ચર્ચાનું આમંત્રણ આપી આંદોલનકારી કિસાનોને શાંત પાડ્યા

મુંબઈ – પોતાની વિવિધ માગણીઓનો સ્વીકાર કરવા માટે મહારાષ્ટ્ર સરકાર પર દબાણ લાવવા માટે મહારાષ્ટ્રભરમાંથી હજારોની સંખ્યામાં કિસાનો નાશિકમાંથી પદયાત્રા દ્વારા મુંબઈમાં આવી પહોંચ્યા છે. આ કિસાનો આવતીકાલે, સોમવારે દક્ષિણ મુંબઈમાં વિધાનભવન ખાતે કૂચ કરી જવાના છે અને વિધાનભવનને ઘેરાવ કરવાના છે.

કિસાનો 35 હજાર જેટલાની સંખ્યામાં મુંબઈ આવી પહોંચ્યા હોવાથી ટ્રાફિક પોલીસે વાહનચાલકો માટે ટ્રાફિક નિયમો/ડાઈવર્ઝનની જાહેરાત કરી છે.

કિસાનો લગભગ 200 કિલોમીટરનું અંતર પગપાળા પૂરું કરીને થાણેથી મુલુંડ (પૂર્વ ભાગમાં મુંબઈના પ્રવેશદ્વાર) ખાતે આવી પહોંચ્યા છે.

સામ્યવાદી/માર્ક્સવાદી પક્ષોના સંચાલન હેઠળ ડાબેરી ઝોકવાળા અખિલ ભારતીય કિસાન સભા સંગઠનના નેજા હેઠળ આયોજિત કિસાન લોન્ગ માર્ચમાં સામેલ થયેલા લાલ ટોપી પહેરેલા અને લાલ વાવટા સાથે સજ્જ કિસાનોની માગણી છે કે કોઈ પણ શરત વિના એમનું દેવું માફ કરવામાં આવે, ભૂમિહીન થયેલા આદિવાસીઓને વનજમીન આપવામાં આવે, એમને મફતમાં વીજળી પૂરી પાડવામાં આવે, વૃદ્ધ કિસાનો માટે નિવૃત્તિ પેન્શન યોજના જાહેર કરવામાં આવે, નદીની વહેંચણી માટે ગુજરાત સાથે જે કરાર કરવામાં આવ્યા છે તે રદ કરવામાં આવે એટલે કે મહારાષ્ટ્રની નદીઓનું પાણી ગુજરાતમાં જવું ન જોઈએ, દરેક ખેડૂતને નવા રેશનકાર્ડ આપવામાં આવે, દરેક કિસાન પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર આપવામાં આવે, સ્વામિનાથન સમિતિએ કરેલી ભલામણોનો અમલ કરવામાં આવે અને એમના કૃષિ ઉત્પાદનો માટે સરકાર દ્વારા દોઢ ગણા વધુ ટેકાના ભાવ આપવામાં આવે.

આ હજારો કિસાનો ગઈ 6 માર્ચે નાશિકમાં એકત્ર થયા હતા અને ત્યાંથી સેન્ટ્રલ બસ સ્ટેશનેથી મુંબઈ તરફ પગપાળા પ્રયાણ કર્યું હતું. તેઓ ઈગતપુરી, કસારા-શાહપુર, આસનગાંવ, ભિવંડી, થાણે થઈને મુંબઈના દ્વારે એટલે કે મુલુંડ ચેકનાકા ખાતે પહોંચી ગયા છે.

આંદોલનકારી કિસાનોને મળ્યા મહારાષ્ટ્રના પ્રધાન ગિરીશ મહાજન

દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે ચતુરાઈ વાપરીને કિસાનોનાં આંદોલનને ઠંડું પાડી દેવાનો પ્રયત્ન કર્યો છે. મહારાષ્ટ્રના જળસંસાધન ખાતાના પ્રધાન અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પ્રતિનિધિ ગિરીશ મહાજન બપોરે આંદોલનકારી કિસાનોના આગેવાનોને મળ્યા હતા અને એમને કહ્યું હતું કે સરકાર કિસાનો સાથે મંત્રણા કરવા તૈયાર છે. એ માટે કિસાનોનાં આગેવાનો અને મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓ વચ્ચે સોમવારે એક બેઠક યોજવામાં આવી છે. મહાજને કિસાનોના આગેવાનોને કહ્યું કે, સરકાર કિસાનોની માગણીઓ પર ધ્યાન આપશે અને એને પરિપૂર્ણ કરશે.

દરમિયાન, ટ્રાફિક પોલીસે વાહનચાલકો જોગ ચેતવણી ઈસ્યૂ કરી છે કે કિસાનો હજારોની સંખ્યામાં આવી પહોંચ્યા હોવાથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તરફ જવું નહીં, કારણ કે ત્યાં ટ્રાફિક જામ થવાની પૂરી સંભાવના છે.

કિસાનોની કૂચ મુલુંડથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી સાયન તરફ આગળ વધશે અને સાયનમાં સોમૈયા ગ્રાઉન્ડ ખાતે રાત્રીરોકાણ કરીને સોમવારે સવારે દક્ષિણ મુંબઈ તરફ આગળ વધશે.

ટ્રાફિક પોલીસે રહેવાસીઓને પણ સૂચના આપી છે કે એમણે દક્ષિણ મુંબઈ પહોંચવા માટે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને બદલે લાલબહાદુર શાસ્ત્રી રોડ, સાયન-પનવેલ રોડ, થાણે-બેલાપુર રૂટનો ઉપયોગ કરવો.

આજે સવારે 9 વાગ્યાથી સોમવાર સવાર સુધી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે – આનંદ નગર ટોલ પ્લાઝા (મુલુંડ)થી સોમૈયા ગ્રાઉન્ડ (સાયન) સુધી હેવી વેહિકલ્સ તથા માલ લઈ જતા વાહનો માટે બંધ રાખવામાં આવ્યો છે.