મહારાષ્ટ્રમાં શરાબની હોમ ડિલીવરીની પરવાનગીનો કોઈ વિચાર નથીઃ ફડણવીસ

મુંબઈ – મહારાષ્ટ્રમાં શરાબની હોમ ડિલીવરી કરવાની પરવાનગી આપવાનો એક પ્રસ્તાવ છે એવી રાજ્યના એક્સાઈઝ ખાતાના પ્રધાન ચંદ્રશેખર બવનકુળેએ રવિવારે જાહેરાત કર્યા બાદ આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સરકારની એવી કોઈ યોજના નથી અને સરકારે કોઈ નિર્ણય લીધો નથી.

બવનકુળેએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે એમના મંત્રાલયે એક યોજના ઘડી છે જે અનુસાર ઈ-કોમર્સ પ્લેટફોર્મ મારફત શરાબની ખરીદી અને હોમ ડિલીવરી કરવાની પરવાનગી આપવામાં આવશે.

બવનકુળેની જાહેરાતને પગલે રાજ્યના એક્સાઈઝ મંત્રાલય પર લોકો તરફથી વિરોધ દર્શાવતા સંદેશાઓનું જાણે પૂર આવી પડ્યું છે.

લોકોનું કહેવું છે કે આવા નિર્ણયથી ખોટી પ્રથા પડશે. આવો નિર્ણય કાયદો-વ્યવસ્થા માટે ખરાબ છે અને તે લાગુ કરવો ન જોઈએ. આને કારણે શરાબના ગેરકાયદેસર વપરાશ અને સપ્લાયને ઉત્તેજન મળશે.

તબીબી આલમે પણ આ નિર્ણયની ટીકા કરી છે. ટાટા મેમોરિયલ સેન્ટરના સેન્ટર ફોર કેન્સર એપિડેમિઓલોજીના નાયબ ડાયરેક્ટર અને કેન્સરસર્જન ડો. પંકજ ચતુર્વેદીએ કહ્યું છે કે એક્સાઈઝ મંત્રાલયનો આશય ભલે સારો હશે, પણ આમાં ગંભીર ક્ષતિ રહેલી છે.

દરમિયાન, રાજ્યમાં સરકારમાં ભાગીદાર શિવસેના પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ પ્રધાન બવનકુળેની જાહેરાતની આકરી ટીકા કરી છે અને કહ્યું છે કે, આ વર્ષે એક બાજુ આ વર્ષે ચોમાસાનો વરસાદ ઓછો પડ્યો છે. વરસાદની ખેંચને કારણે દુકાળની પરિસ્થિતિ સર્જાઈ છે અને લોકો પરેશાન છે ત્યારે એમને સરકાર તરફથી મદદની જરૂર છે, ઘરપહોંચ દારૂની નહીં.

ઠાકરેએ એમ પણ કહ્યું કે આ પ્રકારનો નિર્ણય મહારાષ્ટ્રની સંસ્કૃતિની વિરુદ્ધમાં છે.