મહારાષ્ટ્ર ATS અધિકારીઓએ લાતુરમાં 4 કશ્મીરનિવાસી શખ્સને પકડ્યા

મુંબઈ – મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ના અધિકારીઓએ જમ્મુ અને કશ્મીર રાજ્યમાં ત્રાસવાદી સંગઠનો સાથે સંબંધ ધરાવતા હોવાની શંકા પરથી મહારાષ્ટ્રના લાતુર શહેરમાં ચાર શખ્સને પકડ્યા છે જેઓ જમ્મુ-કશ્મીરના રહેવાસી છે.

ચાર શકમંદો વિશે મહારાષ્ટ્ર એટીએસને બાતમી મળી હતી. તરત જ લાતુરની બાજુના નાંદેડ જિલ્લામાંથી એટીએસના અધિકારીઓની એક ટીમ લાતુર પહોંચી હતી અને ચારેય શખ્સને અટકમાં લીધા હતા. એ ચારેય જણ લાતુરમાં શંકાસ્પદ રીતે ફરી રહ્યા હતા.

પૂછપરછ દરમિયાન ચારમાંના બે જણે કહ્યું કે તેઓ ધાર્મિક ફાળો ઉઘરાવી રહ્યા હતા.

આ ચારેય જણના નામ છેઃ અબ્દુલ રઝાક, શબ્બીર એહમદ (બંને 25 વર્ષના), સલીલ એહમદ અને ઈફ્તિયાઝ એહમદ (35). આ ચારેય જણ ગયા સોમવારે ટ્રેન દ્વારા જમ્મુ-કશ્મીરથી નાંદેડ પહોંચ્યા હતા.

ચારેય જણ કશ્મીરના પૂંચ જિલ્લાના રહેવાસી છે. તેઓ નાંદેડથી રોડ માર્ગે લાતુર ગયા હતા. લાતુરમાં મુસ્લિમોની ઘણી વસ્તી છે. મુસ્લિમ સમાજમાં હાલ પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે.

એટીએસના અધિકારીઓએ ચારેય શખ્સના મોબાઈલ ફોન કબજામાં લીધા છે અને એમના કોલ રેકોર્ડ્સની તપાસ કરી રહ્યા છે.

(તમામ તસવીરો પ્રતિકાત્મક છે)