મુંબઈ, ગુજરાત સહિત ભારતભરમાં દેખાયું ખગ્રાસ ચંદ્રગ્રહણઃ 150 વર્ષે જોવા મળી અદ્દભુત ખગોળીય ઘટના

મુંબઈ – વર્ષ 2018નું પ્રથમ ચંદ્રગ્રહણ આજે સાંજે થયું હતું. આ પ્રકારનું ખગ્રાસ ચંદ્રગ્રહણ 176 વર્ષ બાદ ફરી જોવા મળ્યું હતું. મુંબઈ, ગુજરાત સહિત ભારતભર ઉપરાંત ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં પણ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.

આજે પૂનમનો દિવસ હોઈ ચંદ્રમા સંપૂર્ણ – સુપર મૂન અને રેડ મૂન જોવા મળ્યો હતો.

આજનું ચંદ્રગ્રહણ કોઈ વિશેષ ચશ્મા વગર ખુલ્લી આંખે જોઈ શકાયું હતું. તેથી લોકોએ ભારે કુતુહલતાપૂર્વક તે નિહાળ્યું હતું. ઘણાએ પોતાનાં મોબાઈલ ફોનથી ચંદ્રગ્રહણની તસવીરો પાડી હતી અને સોશિયલ મિડિયા પર શેર કરી હતી.

મુંબઈ અને ગુજરાતમાં ચંદ્રગ્રહણનો આરંભ સાંજે 6:30:39 વાગ્યે થયો હતો અને રાતે 8:41:10 વાગ્યે મોક્ષ થયો હતો. મોક્ષ થયા બાદ ચંદ્રમા ફરી પૂર્ણપણે ખીલ્યો હતો.

સુતકનો સમયગાળો 07:12:37 વાગ્યાથી શરૂ થયો હતો અને 8:41:10 વાગ્યે ગ્રહણ પૂરું થતાં સમાપ્ત થયો હતો.

ચંદ્રગ્રહણ વખતે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી આકાશમાં ફરતાં ફરતાં એક જ સ્થિતિમાં આવી ગયા હતા. આ દ્રશ્ય 150 વર્ષ બાદ ફરી જોવા મળ્યું હતું.

શાસ્ત્રો મુજબ, ઘણા લોકોએ ચંદ્રગ્રહણ પહેલાં સ્નાન કરી શુદ્ધ થયા હતા અને ચંદ્રગ્રહણ છૂટ્યાં પછી ફરી સ્નાન કર્યું હતું. ચંદ્રગ્રહણ છૂટ્યા પછી ઘણા લોકોએ પોતાનાં ઘરમાં મંદિરની જગ્યાનું વિશેષ શુદ્ધિકરણ કર્યું હતું. ચંદ્રગ્રહણ દરમિયાન કરેલા જપ, તપ અને હોમ-હવનનું ખૂબ પુણ્ય મળે છે, માટે ઘણા જાતકો ગ્રહણના સમયગાળા દરમિયાન મંત્ર-સાધનામાં જોડાયેલા રહ્યાં હતાં. ગ્રહણની અસર લગભગ છ મહિના સુધી વર્તાય છે તેવો એક મત છે.

(ચંદ્રગ્રહણ વખતે ચંદ્રમાનો આકાર અને રંગ આ રીતે બદલાતો જોવા મળ્યો હતો)

અમદાવાદમાં ચિત્રલેખાના ફોટોગ્રાફર પ્રજ્ઞેશ વ્યાસે ઝડપેલી તસવીરોઃ