મુંબઈમાં 3 મતગણતરી કેન્દ્રો પર 1,500 સુરક્ષા જવાનોનો પહેરો રહેશે

મુંબઈ – લોકસભા ચૂંટણી માટે મુંબઈ મહાનગરમાં 6 બેઠકો પર ગઈ 29 એપ્રિલે મતદાન થયું હતું. આવતીકાલે મતગણતરી માટે શહેરમાં 3 કેન્દ્રો રાખવામાં આવ્યા છે. ત્યાં શહેરની પોલીસ સુરક્ષાનો કડક બંદોબસ્ત જાળવશે. એમાં તેને કેન્દ્રીય સુરક્ષા દળો મદદ કરશે.

3 મતગણતરી કેન્દ્રો છે – ગોરેગામ (પૂર્વ)માં NESCO કોમ્પલેક્સ, વિક્રોલીમાં ઉદયાંચલ સ્કૂલ અને શિવરી (પૂર્વ)માં ન્યૂ શીવરી વેરહાઉસ.

મતગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ કરવામાં આવશે.

ત્રણેય કાઉન્ટિંગ સેન્ટરો ખાતે 1,500 જેટલા પોલીસ અધિકારીઓ અને જવાનો પહેરો ભરશે. એમને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ), રિઝર્વ પોલીસ ફોર્સ, ક્વિક રીસ્પોન્સ ટીમ્સ અને રાયટ કન્ટ્રોલ પોલીસના જવાનો મદદ કરશે.

તે ઉપરાંત સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા માટે પણ પર્યાપ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે.

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેમણે અફવાઓને માનવી નહીં અને અફવાઓ ફેલાવવી નહીં.

મતગણતરી દરમિયાન અને ત્યારબાદ રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓ જીતની ઉજવણી માટે રસ્તાઓ પર ઉતરી આવશે એ વાતને ધ્યાનમાં લઈને ટ્રાફિક પોલીસે પણ વાહનવ્યવહાર સરળતાપૂર્વક ચાલતો રહે એ માટે અતિરિક્ત વ્યવસ્થા કરી છે.

મુંબઈમાં છ બેઠક પર આ ઉમેદવારો વચ્ચે મુખ્યત્વે હરીફાઈ છેઃ

મુંબઈ-ઉત્તર : ગોપાલ શેટ્ટી (ભાજપ) વિ. ઉર્મિલા માતોંડકર (કોંગ્રેસ)

મુંબઈ-દક્ષિણ : અરવિંદ સાવંત (શિવસેના) વિ. મિલિંદ દેવરા (કોંગ્રેસ)

મુંબઈ ઉત્તર-પૂર્વ : મનોજ કોટક (ભાજપ) વિ. સંજય દીના પાટીલ (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)

મુંબઈ ઉત્તર-પશ્ચિમ : ગજાનન કીર્તિકર (શિવસેના) વિ. સંજય નિરુપમ (કોંગ્રેસ)

મુંબઈ ઉત્તર-મધ્ય : પૂનમ મહાજન (ભાજપ) વિ. પ્રિયા દત્ત (કોંગ્રેસ)

મુંબઈ દક્ષિણ-મધ્ય : રાહુલ શેવાળે (શિવસેના) વિ. એકનાથ ગાયકવાડ (કોંગ્રેસ).

મહારાષ્ટ્રઃ નીતિન ગડકરી સહિત 4 કેન્દ્રીય પ્રધાનોની જીત-હારનો ફેંસલો થશે

લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્ર રાજ્યમાં કુલ 48 બેઠકો પર પરિણામ જાહેર કરાશે. મતગણતરી માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. બપોર સુધીમાં ટ્રેન્ડ આવવાના શરૂ થઈ જશે અને સાંજ સુધીમાં તમામ બેઠકોનાં પરિણામો પણ જાહેર થઈ જશે.

મહારાષ્ટ્રમાં, ચાર તબક્કામાં મતદાન થયું હતું. એ માટે કુલ 98,430 ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મતગણતરી 38 સ્થળોએ 48 કાઉન્ટિંગ સેન્ટરોમાં કરવામાં આવશે. મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ કરાશે.

દેશમાં, લોકસભાની બેઠકોની સંખ્યાની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ (80) બાદ મહારાષ્ટ્રનો નંબર આવે છે – 48 બેઠક. મહારાષ્ટ્રમાં 11, 18, 23 અને 29 એપ્રિલે મતદાન યોજાયું હતું. કુલ 867 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. આ વખતની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 60.80 ટકા મતદાન થયું હતું. 2014ની ચૂંટણીમાં 60.32 ટકા મતદાન થયું હતું.

પાલઘર અને ભિવંડીમાંની બેઠકોમાં 35-35 કાઉન્ટિંગ રાઉન્ડ યોજાશે. ભંડારા-ગોંદિયા અને થાણેમાં 33-33, બીડ અને શિરુરમાં 32 કાઉન્ટિંગ રાઉન્ડ યોજાશે.

કાઉન્ટિંગ અધિકારીઓ વીવીપેટ મશીન સ્લિપ્સ ચેકિંગ માટે પ્રત્યેક વિધાનસભા સેગ્મેન્ટમાંથી પાંચ-પાંચ ઈવીએમ મશીન અડસટ્ટે પસંદ કરશે. ધારો કે કોઈ ઉમેદવાર કોઈ ચોક્કસ ઈવીએમ પસંદ કરવાની માગણી કરશે તો એ મુજબ કામ કરી દેવાશે, પણ કુલ ઈવીએમની સંખ્યા તો પાંચ જ રખાશે. મતગણતરી અને ટ્રેન્ડ વિશેની માહિતી ચૂંટણી પંચની વેબસાઈટ – ceo.maharashtra.gov.in પર અપલોડ કરવામાં આવશે. વળી, ટોલ ફ્રી ટેલીફોન નંબર 1950 ઉપર પણ માહિતી મળી શકશે.

મહારાષ્ટ્રમાં જાણીતા ઉમેદવારોમાં આમનો સમાવેશ થાય છે – કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (નાગપુર), કેન્દ્રીય પ્રધાન હંસરાજ આહિર (ચંદ્રપુર), કેન્દ્રીય પ્રધાન સુભાષ ભામરે (ધૂળે), કેન્દ્રીય પ્રધાન અનંત ગીતે (રાયગડ), મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ અશોક ચવાણ (નાંદેડ), ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુશીલકુમાર શિંદે (સોલાપુર).