મુંબઈની લોકલ ટ્રેનમાં ‘કિકી ડાન્સ ચેલેન્જ’ કરનાર 3 યુવકને સ્ટેશન સાફ કરવાની સજા ફરમાવાઈ

મુંબઈ – તર્કવિહોણી કિકી ડાન્સ ચેલેન્જે મુંબઈ સહિત ભારતના અનેક શહેરોમાં ઉપાડો લીધો છે. ચાલુ કારમાંથી ઉતરીને ડાન્સ કરીને પોતાના ઓળખીતા-પાળખીતાને ચેલેન્જ આપવા કે પબ્લિસિટી મેળવવાને ખાતર આ ઈન્ટરનેટ ચેલેન્જ વાયરલ થઈ છે. મુંબઈમાં પોલીસે આ ચેલેન્જથી દૂર રહેવાની ચેતવણી આપી હોવા છતાં 3 યુવકોએ એનાથી આગળ વધીને ચાલુ લોકલ ટ્રેનમાં કિકી ચેલેન્જ કરતો પોતાનો વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો હતો.

રેલવે પોલીસે એની નોંધ લઈને ત્રણેયની ધરપકડ કરી છે. આ ત્રણેય છોકરા વિરારના રહેવાસી છે. પોલીસે ત્રણેયને રેલવે કોર્ટમાં હાજર કર્યા હતા. રેલવે કોર્ટે ત્રણેયને આદેશ આપ્યો છે કે એમણે ત્રણ દિવસ સુધી રેલવે સ્ટેશન પર સફાઈ કામ કરવું.

આ ત્રણ છોકરાના નામ છે નિશાંત શાહ (20), ધ્રૂવ શાહ (23) અને શ્યામ શર્મા (24). શ્યામ શર્મા ટીવી સિરિયલનો એક્ટર છે. આ ત્રણેય જણ ચાલુ ટ્રેને અને સ્ટેશન પર જોખમી સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા. એમણે તેમનો વિડિયો યૂટ્યૂબ પર શેર કર્યો હતો. 14 લાખથી વધારે લોકો તે નિહાળી ચૂક્યા છે.

આ ત્રણ જણે એક એમ્બ્યુલન્સ સાથે પણ કિકી ડાન્સ કર્યો હતો.

રેલવે પોલીસે ત્રણેય છોકરાને વસઈ ખાતેની રેલવે કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે એમને આદેશ આપ્યો છે કે એમણે ત્રણ દિવસ સુધી સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી અને બપોરે 3-5 વાગ્યા સુધી સ્ટેશન પર સફાઈ કરવી.

લોકોમાં આવા જોખમી સ્ટન્ટ વિરુદ્ધ જનજાગૃતિ લાવવાના હેતુથી રેલવે કોર્ટે ત્રણેય છોકરાને આવી સજા કરી છે.

ત્રણેય છોકરા સ્ટેશન પર સફાઈ કામ કરતા હોય એવો વિડિયો રેલવે પોલીસે કોર્ટમાં રજૂ કરવાનો રહેશે એ જોયા બાદ કોર્ટ ત્રણેય છોકરાને વધુ કોઈ સજા કરવી કે નહીં એનો નિર્ણય લેશે.