મુંબઈમાં સેન્સર બોર્ડના કાર્યાલયની બહાર કરણી સેનાનાં દેખાવો; અનેકની અટક

0
1474

મુંબઈ – શ્રી રાજપૂત કરણી સેનાનાં કાર્યકરોએ સંજય લીલા ભણસાલીનાં દિગ્દર્શનવાળી પદ્માવત ફિલ્મને રિલીઝ કરવાના નિર્ણય સામેના વિરોધમાં આજે અહીં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સેન્સર બોર્ડ)ના કાર્યાલયની બહાર દેખાવો કર્યા હતા.

એમાંના કેટલાકના પોલીસે અટકાયતમાં લીધા હતા.

સુખદેવ સિંહ ગોગામેડીના નેતૃત્વ હેઠળ આ રાજપૂત સંગઠનના સભ્યો સેન્સર બોર્ડના કાર્યાલયની બહાર એકત્ર થયા હતા અને વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતને રિલીઝ કરવાના બોર્ડના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કરતા નારા લગાવ્યા હતા.

કરણી સેનાના એક સભ્ય જીવનસિંહ સોલંકીએ કહ્યું છે કે, અમે કોઈ પણ સંજોગોમાં આ ફિલ્મને દેશમાં રિલીઝ થવા નહીં દઈએ. કેટલાક રાજ્યો અમારી સાથે સહમત થયા છે અને ફિલ્મને રિલીઝ થવા નહીં દે. અમે ઈચ્છીએ છીએ કે આ ફિલ્મ પર આખા દેશમાં પ્રતિબંધ મૂકવામાં આવે. અમે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ વિનંતી કરવાના છીએ, કારણ કે આ ફિલ્મ રાજપૂત સમુદાયના સાંસ્કૃતિક વારસાને તબાહ કરી દેશે. નિર્માતાએ રાજપૂત લોકોની લાગણીઓ સાથે ખેલ માંડ્યો છે. ફિલ્મમાં અમારા સમુદાયને સંપૂર્ણપણે ખોટી રીતે ચીતરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સેન્સર બોર્ડે પદ્માવતી ફિલ્મને પદ્માવતના નવા નામ સાથે તેમજ અન્ય પાંચ સુધારા કર્યા બાદ U/A સર્ટિફિકેટ સાથે રિલીઝ કરવાની મંજૂરી આપી છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીથી દેશભરમાં રિલીઝ થશે. જોકે રાજસ્થાનમાં આ ફિલ્મ રિલીઝ થવાની નથી.