મુંબઈમાં 14 જણનો ભોગ લેનાર રેસ્ટોરન્ટ અગ્નિકાંડના હોટેલમાલિક બંધુઓની ધરપકડ

મુંબઈ – લોઅર પરેલ ઉપનગરમાં આવેલા કમલા મિલ્સ કમ્પાઉન્ડની ઈમારતની ‘1-Above’ રેસ્ટોરન્ટ-પબમાં ગઈ 29 ડિસેમ્બરે લાગેલી ભીષણ આગમાં માર્યા ગયેલા 14 જણની દુર્ઘટનામાં આરોપી જાહેર કરાયેલા, પણ ફરાર થઈ ગયેલા રેસ્ટોરન્ટ માલિક બંધુઓ તેમજ એમના ભાગીદાર, એમ ત્રણેયની પોલીસે ધરપકડ કરી છે.

રૂફટોપ રેસ્ટોરન્ટ-પબ ‘1-Above’ના માલિકો જિગર સંઘવી અને કૃપેશ સંઘવી ફરાર હતા, પણ બંનેને તેમજ એમના ભાગીદાર અભિજીત માનકરને ગઈ કાલે રાતે અંધેરીમાંથી પકડવામાં પોલીસ સફળ થઈ છે. પોલીસે ગુરુવારે સાંજે આ ત્રણેયને કોર્ટમાં હાજર કર્યા હતા અને કોર્ટે તપાસાર્થે એમને 17 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાની પોલીસને છૂટ આપી છે.

29 ડિસેમ્બરની મધરાતે ‘1-Above’માં આગ લાગી હતી અને તે ઝડપથી બાજુમાં આવેલી મોજોઝ બિસ્ત્રો નામની અન્ય રેસ્ટોરન્ટ-પબમાં પણ ફેલાઈ હતી અને એમાં 11 મહિલાઓ સહિત 14 જણ માર્યા ગયા હતા. ‘1-Above’ રૂફટોપ પબ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી હતી.

પોલીસે આ ત્રણેય આરોપીઓને સંતાડનાર અન્ય હોટેલમાલિક અને બિલ્ડર વિશાલ કારિયાની મંગળવારે ધરપકડ કરી હતી.

આ ગમખ્વાર અગ્નિકાંડમાં પોલીસ અત્યાર સુધીમાં છ જણની ધરપકડ કરી ચૂકી છે.

ત્રણેય આરોપી પર પોલીસે સદોષ માનવ વધનો આરોપ નોંધ્યો છે અને ત્રણેયની ધરપકડ કરવામાં મદદરૂપ થાય એવી માહિતી આપનારને એક લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત પણ કરી હતી.