કોકપિટમાં ઝઘડેલા બે સિનિયર પાઈલટને જેટ એરવેઝે સેવામાંથી બહાર કર્યા

0
2192

મુંબઈ – જેટ એરવેઝે તેની લંડન-મુંબઈ ફ્લાઈટમાં કોકપિટની અંદર ઝઘડી પડેલા બે સિનિયર પાઈલટને સેવામાંથી હટાવી લીધાં છે. આ બે પાઈલટમાં એક પુરુષ છે અને એક સ્ત્રી છે.

બંને વચ્ચે થયેલા ઝઘડાની આંતરિક સ્તરે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ઉક્ત ફ્લાઈટ નવા વર્ષના દિવસે લંડનથી ઉપડવાની તૈયારીમાં હતી એ જ વખતે પાઈલટ અને કો-પાઈલટ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

જેટ એરવેઝના પ્રવક્તાએ કહ્યું છે કે 1 જાન્યુઆરીએ લંડન-મુંબઈ ફ્લાઈટમાં કોકપિટ ક્રૂ વચ્ચે એક ગેરસમજ ઊભી થઈ હતી. બાદમાં એ મામલે સમાધાન થઈ ગયું હતું અને બે નવજાત શિશુ તથા 14 ક્રૂ મેમ્બર્સ સહિત 324 પ્રવાસીઓ સાથેની ફ્લાઈટ લંડનથી રવાના થઈ હતી અને મુંબઈમાં એણે સુરક્ષિત રીતે ઉતરાણ પણ કર્યું હતું.

આ બનાવની જાણ ડાયરેક્ટોરેટ ઓફ સિવિલ એવિએશનને કરી દેવામાં આવી છે. આંતરિક તપાસનો અહેવાલ ન આવે ત્યાં સુધી બંને પાઈલટને સેવામાંથી હટાવી લેવામાં આવ્યા છે.