મુંબઈમાં પાઈલટ્સની અછતને લીધે જેટ એરવેઝે 10 ફ્લાઈટ્સ રદ કરી; પેસેન્જરો અટવાઈ ગયાં

મુંબઈ – ખાનગી ક્ષેત્રની ટોચની એરલાઈન જેટ એરવેઝે ગઈ કાલે પાઈલટ્સની તંગીને કારણે મુંબઈમાં તેની 10 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ રદ કરી દેતાં એરલાઈનના સેંકડો પ્રવાસીઓ અટવાઈ ગયાં હતાં.

જેટ એરવેઝ તરફથી એક નિવેદનમાં જણાવાયું હતું કે અમુક ‘કામગીરીને લગતા પ્રશ્નો’ને કારણે એને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 10 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. જોકે એરલાઈનના સૂત્રોનું કહેવું છે કે આ ફ્લાઈટ્સ રદ કરવાનું કારણ પાઈલટ્સની તંગી હતું.

જેટ એરવેઝે કહ્યું કે અસરગ્રસ્ત ફ્લાઈટ્સના પ્રવાસીઓને એમની ફ્લાઈટના સ્ટેટસ અંગે એસએમએસ એલર્ટ્સ મારફત સમયસર જાણકારી આપી દેવામાં આવી હતી. રેગ્યૂલેટરે નિશ્ચિત કરેલી નીતિ અનુસાર પ્રવાસીઓને અન્ય ફ્લાઈટ્સમાં વ્યવસ્થા કરી આપવામાં આવશે અથવા પૈસાનું વળતર આપી દેવામાં આવશે.

જેટ એરવેઝે તેના પ્રવાસીઓને પડેલી અગવડતા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.

ફ્લાઈટ્સ અચાનક રદ થવાથી એ માટે ટિકિટ બુક કરાવનાર પ્રવાસીઓ અટવાઈ ગયાં હતાં.

એરલાઈનના સૂત્રોનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનાથી એરલાઈનમાં પાઈલટ્સની તંગી પ્રવર્તે છે. વળી, જે પાઈલટ્સ જેટ એરવેઝ છોડી ગયા છે એમની જગ્યાએ નવા પાઈલટ્સને રોકવામાં આવ્યા નથી.

એરલાઈનના વર્તુળોએ કહ્યું કે જેટ એરવેઝ છેલ્લા કેટલાક વખતથી તેના પાઈલટ્સ, એન્જિનીયર્સ તથા સિનિયર મેનેજમેન્ટને પગાર ચૂકવવામાં નિયમિત રહી નથી.

નરેશ ગોયલની માલિકીની જેટ એરવેઝ નાણાંભીડમાં છે અને તાજેતરના ભૂતકાળમાં ઘણા સારા પાઈલટ્સ જેટ એરવેેઝને છોડી ગયાં છે. પાઈલટ્સની તંગી હોવાને લીધે બીજા પાઈલટ્સને ઘણી વાર ઓવરટાઈમ કરવો પડતો હોય છે.