બજેટ વિશેષઃ રિયાલ્ટી સેક્ટરને રાહતથી મુંબઈમાં ઘરની ડિમાંડ વધવાની આશા

મુંબઈ – ઘર સંબંધિત કેપિટલ ગેઈન બાબતે નાણાં પ્રધાને જે રાહત આપી છે, તેને ધ્યાનમાં રાખતા મુંબઈમાં ઘરોની ડિમાંડ વધી શકે એવો મત વ્યકત થઈ રહયો છે, કારણ કે બે કરોડ રૂપિયા સુધીના કેપિટલ ગેઈનને બે ઘર ખરીદવામાં વાપરવામાં આવશે તો તેને કરલાભ મળશે, જે અગાઉ માત્ર એક ઘર પુરતું સિમીત હતું. જો કે આ બાબત અન્ય શહેરોને પણ સમાન રીતે લાગુ પડી શકે, કિંતુ મુંબઈ માં ડિમાંડ વધુ છે અને જરૂરીયાત પણ વધુ છે. વધુમાં નાણાં પ્રધાને બજેટમાં એફોર્ડેબલ હાઉસિંગ માટે વધારાનું એક વરસ આપ્યું છે, જેથી હવે બિલ્ડર્સ પાસે 31 માર્ચ 2020 સુધીના મંજુર થયેલા પ્રોજેકટસ માટે સમય મળશે.

આ ઉપરાંત બિલ્ડર્સ પાસે વણવેચાયેલી પ્રોપર્ટીઝ એક વરસથી વધુ સમય રહેતી તો તેના નોશન રેન્ટ પર ટેકસ લાગતો હતો એ સમયગાળો હવે બે વરસથી વધુ સમયનો કરાયો છે. જોકે પ્રોપર્ટી માટે લોકો ભાવ ઘટવાની રાહ જોતા રહે છે, કિંતુ હવેના સમયમાં વધુ ભાવ ઘટવાની શકયતા ઓછી છે. અલબત્ત, ભાવ વધવાના પણ બંધ જેવા થઈ ગયા છે. તેમછતાં એક ફલેટને બદલે બે ફલેટ લેવાની છુટ મળવાથી ઘરની ખરીદી વધી શકે છે. ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિસની ડિમાંડ પણ વધી શકે છે. આમ લાંબા સમયથી મંદ રહેલી રિઅલ એસ્ટેટ માર્કેટને થોડો કરન્ટ મળવાની આશા જાગી છે.

જીએસટીની આશા

જો કે આ સેકટરમાં જીએસટી નાબુદ યા ઓછો કરવાની અપેક્ષા હતી, જે પૂર્ણ થઈ નથી. કિંતુ આ મામલો જીએસટી કાઉન્સીલ પાસે હોવાથી સરકારે આ વિષયનું કાર્ય કાઉન્સીલને સોંપ્યું છે, જે એક કમિટિ તેના પર કામ કરી રહી છે. જીએસટી ઘટે તો આ સેકટરને મજબુત વેગ મળવાની આશા જાગી શકે.