મુંબઈનું ‘જિન્નાહ હાઉસ’ પાકિસ્તાનનું નથીઃ વિદેશ મંત્રાલયે કરી દીધી સાફ વાત

મુંબઈ – દક્ષિણ મુંબઈમાં આવેલા ‘જિન્નાહ હાઉસ’ની માલિકીના પાકિસ્તાને કરેલા દાવાને ભારત સરકારે ફગાવી દીધો છે અને કહ્યું છે કે આ પ્રોપર્ટી પાકિસ્તાનની નહીં, ભારતની જ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું છે કે આ પ્રોપર્ટીના સંબંધમાં પાકિસ્તાને કરેલા દાવાને કોઈ આધાર નથી, એ ક્યાંય ટકી શકે એમ નથી. આ ભારત સરકારની જ પ્રોપર્ટી છે અને અમે એને સુશોભિત કરાવી રહ્યા છીએ.

‘જિન્નાહ હાઉસ’ મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં આવેલું છે. એનું બાંધકામ આર્કિટેક્ટ ક્લાઉડ બેટ્લેએ યુરોપીયન સ્ટાઈલમાં કરાવ્યું હતું. પાકિસ્તાનના સર્જક મોહમ્મદ અલી જિન્નાહ 1930ના દાયકાના અંતભાગમાં અહીં રહ્યા હતા.

પાકિસ્તાન માગણી કરી રહ્યું છે કે ભારત સરકાર આ પ્રોપર્ટી તેને સુપરત કરી દે, જેથી એને એ પોતાની મુંબઈસ્થિત કોન્સ્યૂલેટ બનાવી શકે.

રવીશ કુમારે કહ્યું છે કે ભારત સરકાર ‘જિન્નાહ હાઉસ’નો ઉપયોગ મુંબઈમાં જ આવેલા હૈદરાબાદ હાઉસની જેમ કરવા ધારે છે. ત્યાં સરકારી સમારંભો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.