‘માયાનગરી’ મુંબઈમાં ફરી ધોધમાર, મુસળધાર વરસાદ

મુંબઈ – મહાનગર તથા ઉપનગરોમાં તેમજ આસપાસના વિસ્તારોમાં ગઈ કાલથી શરૂ થયેલો મુસળધાર વરસાદ આજે સાંજે પણ સતત ચાલુ રહ્યો છે.

આ ભારે વરસાદને કારણે ખાસ કરીને શહેરના તળ ભાગોમાં, જેમ કે દાદર, સાયન, ભાયખલા, તેમજ એનાથી આગળ દક્ષિણ તરફના વિસ્તારોમાં વરસાદનું જોર વધારે રહ્યું છે.

સાયન, હિંદમાતા, કિંગ સર્કલ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ગાંધી માર્કેટમાં દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે.

ઉત્તર તરફ, અંધેરી, ગોરેગામ, બોરીવલી, દહિસરમાં સતત વરસાદ ચાલુ છે. આજે સવારથી સમગ્ર શહેરમાં થોડીક મિનિટોના વિશ્રામ બાદ ધોધમાર વરસાદ વરસતો રહ્યો છે.

કુર્લા, તિલકનગર વિસ્તારોમાં ખૂબ પાણી ભરાયા છે. કુર્લામાં સ્ટેશન ખાતે રેલવેના પાટા પર પાણી ફરી વળ્યું છે. વરસાદને કારણે આજે મધ્ય રેલવે વિભાગમાં નિર્ધારિત મેગાબ્લોક કામકાજને રદ કરવામાં આવ્યું છે.

આજે રવિવારે રજાનો દિવસ હોવાથી લોકલ ટ્રાન્સપોર્ટ સેવા પર દબાણ ઓછું રહ્યું છે. લોકલ ટ્રેન સેવા જોકે નોર્મલ છે. લોકોને દરિયામાં જવાની મનાઈ ફરમાવાઈ છે.

મુંબઈ ઉપરાંત પડોશના નવી મુંબઈ, થાણે તેમજ પાલઘર જિલ્લાના વિસ્તારોમાં પણ ખૂબ વરસાદ છે.

રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડ્યા હોવાથી વાહનો ખૂબ ધીમી ગતિએ આગળ વધતા હોઈ ટ્રાફિક જામ થયો છે. સાયન-પનવેલ હાઈવે પર સ્થિતિ વધારે ખરાબ છે. વાહનોની લાંબી લાઈન જોવા મળી છે.

કુર્લામાં 3-માળવાળી એક જૂની ઈમારતની બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો હતો. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.

વડાલામાં ઈન્ડિયન ઓઈલ ખાતે એક સંરક્ષક દીવાલ તૂટી પડી હતી. ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. માત્ર પાર્ક કરેલી કારને નુકસાન થયું છે.

કોલાબામાં 167 મિ.મી. વરસાદ ખાબક્યો

શનિવારે મધરાતથી શરૂ થયેલા અને આજે બપોરે 3 વાગ્યા સુધીમાં મુંબઈમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ભાગના કોલાબામાં નોંધાયો છે – 167 મિ.મી.. શિવડીમાં 158 મિ.મી. વરસાદ પડ્યો છે તો પૂર્વ ભાગમાં કુર્લામાં 137 મિ.મી. વરસાદ પડ્યો છે. પશ્ચિમ મુંબઈમાં સૌથી વધારે વરસાદ મરોલમાં નોંધાયો છે – 161 મિ.મી. તો વર્સોવા વિસ્તારમાં 131 મિ.મી. વરસાદ પડ્યો છે.

ઘાટકોપરમાં ઈસ્ટ-વેસ્ટ ભાગોને જોડતો ઓવરબ્રિજ નબળો પડેલો માલૂમ પડતાં એને રીપેરિંગ માટે બંધ કરાયો