મુંબઈ: શરાબની હોમ ડિલીવરી કરવા બદલ વાઈન શોપને 19 લાખનો દંડ કરાયો

મુંબઈ – મહાનગરમાં યોગ્ય લાઈસન્સ મેળવ્યા વગર શરાબની ગેરકાયદેસર રીતે હોમ ડિલીવરી કરવા બદલ એક વાઈન શોપને રૂ. 18 લાખ 90 હજારની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

 

બાન્દ્રા વેસ્ટ ઉપનગરમાં પાલી હિલ વિસ્તારમાં આવેલી દીપક વાઈન્સ નામની દુકાનને મહારાષ્ટ્ર રાજ્યના એક્સાઈઝ વિભાગે દંડ ફટકાર્યો છે.

આ વાઈન શોપ પાસે યોગ્ય પરવાના નથી તે છતાં એ રાતના સમયે ગ્રાહકોને આલ્કોહોલની હોમ ડિલીવરી કરે છે એવી ફરિયાદો મળતાં એની સામે પગલાં લેવામાં આવ્યાં હતાં.

એક્સાઈઝ વિભાગે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે ઉક્ત વાઈન શોપ કોઈ પણ પ્રકારના રેકોર્ડ રાખ્યા વગર અને રજિસ્ટર ન કરાવેલા કર્મચારીઓ મારફત લોકોને શરાબની હોમ ડિલીવરી કરતી હતી.

આ વાઈન શોપ શરાબના વેચાણ અને ખરીદી વિશે યોગ્ય હિસાબ પણ રાખતી નથી. વધુમાં, તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે 2017-18ના હિસાબમાં વિસંગતી જણાઈ હતી અને એણે રૂ. 11 લાખનો આલ્કોહોલ સરકારી એજન્સીઓમાં જાહેર કર્યો નહોતો.

વાઈન શોપની બેલેન્સ શીટ ચેક કરતાં જણાયું હતું કે એણે રૂ. 6,30,000ની કિંમતનો શરાબ કોઈ પણ પ્રકારના રેકોર્ડ વગર વેચ્યો હતો.

તેથી એક્સાઈઝ વિભાગે વાઈન શોપને રૂ. 18 લાખ 90 હજારનો દંડ ફટકાર્યો છે.