મુંબઈ સિનિયર પોલીસ અધિકારી હિમાંશુ રોયે કેન્સરથી કંટાળીને આત્મહત્યા કરી

મુંબઈ – શહેરના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અને મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડના ભૂતપૂર્વ વડા હિમાંશુ રોયે આજે આત્મહત્યાને પોતાના જીવનનો અંત લાવી દીધો છે. એ 54 વર્ષના હતા.

રોયે દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તારમાં આવેલા સુનિતિ એપાર્ટમેન્ટ સ્થિત એમના નિવાસસ્થાને આજે બપોરે લગભગ 1 વાગ્યે પોતાની સર્વિસ રિવોલ્વરથી મોઢામાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ ઈજાને કારણે એ મૃત્યુ પામ્યા હતા.

હિમાંશુ રોયની આત્મહત્યાના સમાચારથી મુંબઈના પોલીસ દળમાં ખળભળાટ મચી ગયો છે. એમના પરિવારજનો તથા બે સહાયક ઈજાગ્રસ્ત રોયને બોમ્બે હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ત્યાં ડોક્ટરોએ એમને મૃત જાહેર કર્યા હતા.

કહેવાય છે કે રોય છેલ્લા થોડાક વખતથી કેન્સરથી પીડાતા હતા. એ બીમારીથી કંટાળીને એમણે આત્મહત્યા કરી લીધી હોવાનું મનાય છે. જોકે એમની આત્મહત્યાના કારણની હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. એ તબીબી કારણસર લાંબી રજા પર હતા.

રોયના ઘરમાંથી સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં જણાવાયું છે કે પોતે કેન્સરની બીમારીથી કંટાળી ગયા હોવાને કારણે જીવનનો અંત આણી રહ્યા છે.

હિમાંશુ રોય એડીજી (એડિશનલ ડાયરેક્ટર જનરલ) રેન્કના આઈપીએસ અધિકારી હતા. એમણે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના વડા તરીકે પણ સેવા બજાવી હતી.

રોય એમના કદાવર બાંધાને લીધે મુંબઈ પોલીસના ‘આર્નોલ્ડ સ્વાર્ઝનેગર’ તરીકે ઓળખાતા હતા.

રોય 1988ના બેચના ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) અધિકારી હતા. એમણે 2013માં ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પોટ-ફિક્સિંગ કેસ સહિત અનેક મોટા કેસોમાં તપાસમાં આગેવાની લીધી હતી.

રોય નાશિકના ભૂતપૂર્વ પોલીસ કમિશનર હતા. એ 2004થી 2007 સુધી નાશિકના પોલીસ કમિશનર પદે હતા.

રોય મુંબઈની ઝેવિયર્સ કોલેજમાં ભણ્યા હતા. એમના પિતા ડોક્ટર હતા. 12મું ધોરણ પાસ કર્યા બાદ એમણે સાયન્સ લાઈન લીધી હતી, પરંતુ સીએ બનવા માટે એમણે લાઈન છોડી દીધી હતી. બાદમાં એમણે આઈપીએસ પરીક્ષા આપી હતી અને પોલીસ દળમાં જોડાયા હતા. 1991માં એમનું પહેલું પોસ્ટિંગ માલેગાંવમાં કરવામાં આવ્યું હતું. ત્યારે એ વિસ્તાર બાબરી મસ્જિદ ધ્વંસ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોને કારણે તંગ બની ગયો હતો.

મુંબઈમાં પ્રથમ સાઈબર ક્રાઈમ સેલની રચના કરવાનો શ્રેય હિમાંશુ રોયને જાય છે. તદુપરાંત એમણે મહિલાઓ સામેના ગુનાઓ માટેના સેલની પણ સ્થાપના કરી હતી.

૨૦૧૩ની સાલમાં હિમાંશુ રોયે ‘ચિત્રલેખા’ને એક્સક્લુઝિવ મુલાકાત આપી હતી. ૨૦૧૩ની પાંચ ઓગસ્ટના ‘ચિત્રલેખા’ના અંકમાં ‘મળવા જેવા માણસ’ વિભાગમાં ‘આ અફસર છે બડા ગણતરીબાજ’ શીર્ષક સાથે હિમાંશુ રોયની એ વિસ્તૃત મુલાકાત વાંચવા માટે આ સાથેની લિન્ક પર ક્લિક કરો… https://chitralekha.com/himanshuroy.pdf