ફેરિયાઓની અરજી મુંબઈ હાઈકોર્ટે ફગાવી; કહ્યું, હોકિંગ ઝોન્સમાં જ બેસવું

મુંબઈ – મહાનગરમાં ફેરિયાઓને નિર્ધારિત કરાયેલા ફેરીવાલે વિભાગો (હોકિંગ ઝોન્સ) સિવાય બીજે ક્યાંય બેસવા દેવા ન જોઈએ એવું મુંબઈ હાઈકોર્ટે જણાવતાં મુંબઈ પ્રદેશ કોંગ્રેસના વડા સંજય નિરુપમને આજે મોટો ફટકો પડ્યો છે, જેઓ ફેરિયાઓની તરફેણમાં મુંબઈ મહાનગરપાલિકા વિરુદ્ધ જંગે ચડ્યા છે.

હોકર્સ ઝોન્સ મામલે ચુકાદો આપતાં કોર્ટે કહ્યું છે કે મુંબઈમાં ફેરિયાઓએ હોસ્પિટલો, રેલવે સ્ટેશનો, શિક્ષણ સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોથી ૧૫૦ મીટર દૂરથી જ ધંધો કરવા બેસીને નિયમોનું પાલન કરવામાં તંત્રને સહકાર આપવો જોઈએ.

કોર્ટે એમ પણ કહ્યું છે કે ફેરિયાઓને રેલવે ફૂટઓવર બ્રિજ, રોડ ઓવર બ્રિજ, શાળા-કોલેજો, હોસ્પિટલો અને રેલવે સ્ટેશનોની બહાર બેસવા દેવા ન જોઈએ. ફેરિયાઓને ધાર્મિક સ્થળોની બહાર માત્ર પૂજાને લગતો સામાન વેચવા માટે જ બેસવા દેવાની પરવાનગી આપી શકાય.

ફેરિયાઓને સંગઠનની સાથે મુંબઈ કોંગ્રેસ પ્રમુખ વડા નિરુપમે ત્રણ દિવસ પહેલાં આશરે ૧૫૦ ફેરિયાઓની એક રેલીને સંબોધિત કરી હતી અને એ રેલી પૂરી થયા બાદ ફેરિયાઓને હટાવવાનો પ્રયત્ન કરનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અનેક સભ્યો પર કોંગ્રેસી કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો.

એ કેસના સંબંધમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પૂર્વ પરવાનગી મેળવ્યા વગર રેલીનું આયોજન કરવા બદલ નિરુપમ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.