ગવર્નરના ભાષણનો ગુજરાતી અનુવાદ હેડફોન્સ પર સંભળાયો; વિપક્ષનો સભાત્યાગ

મુંબઈ – મહારાષ્ટ્ર વિધાનસભામાં રાજ્યપાલ વિદ્યાસાગર રાવના ભાષણનો ગુજરાતી અનુવાદવાળો ઓડિયો ગૃહમાં સભ્યોને સંભળાયો એ બદલ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે ગૃહમાં બિનશરતી માફી માગી હતી.

આ મુદ્દો જેવો રજૂ કરાયો કે ફડણવીસે ઊભા થઈને ગૃહની તથા સભ્યોની બિનશરતી માફી માગી હતી. આ છબરડાને એમણે ઘણો જ ગંભીર મુદ્દો ગણાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં આજથી બજેટ સત્રનો આરંભ થયો છે. વિધાનસભા તથા વિધાન પરિષદના સભ્યોની સંયુક્ત બેઠકમાં રાજ્યપાલ રાવ એમનું પરંપરાગત સંબોધન કરવા ઊભા થયા હતા.

રાવે અંગ્રેજીમાં ભાષણ શરૂ કર્યું એની અમુક જ મિનિટોમાં મોટા ભાગના સભ્યોએ ફરિયાદ કરી હતી કે એમને તેમના હેડફોન્સમાં ભાષણનો મરાઠીને બદલે ગુજરાતી ભાષાનો અનુવાદ સંભળાય છે.

વિરોધ પક્ષ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સભ્યો ભડકી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો, એમણે સરકારની ઝાટકણી કાઢી હતી અને જોશપૂર્વક માગણી કરી હતી કે મરાઠી અનુવાદવાળો વિડિયો જ એમને સંભળાવવામાં આવે.

વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસના નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલે કહ્યું હતું કે આ ઘણો જ ગંભીર મામલો છે… આને હળવાશથી લેવો ન જોઈએ.

એનસીપીના નેતા ધનંજય મુંડેએ કહ્યું હતું કે સરકાર મહારાષ્ટ્રના 12 કરોડ નાગરિકોનું માન જાળવવામાં નિષ્ફળ ગઈ છે. અમને મરાઠીને બદલે ગુજરાતી ભાષાનો અનુવાદ સાંભળવા મળ્યો હતો.

ત્યારબાદ આ બંને નેતાની આગેવાની હેઠળ મુખ્ય વિરોધ પક્ષના સભ્યોએ ગવર્નરના ભાષણના બાકીના હિસ્સાનો બહિષ્કાર કર્યો હતો અને શોરબકોર કરીને સભાત્યાગ કરી ગયા હતા.

શિક્ષણ પ્રધાન વિનોદ તાવડેએ કહ્યું હતું કે જ્યારે પોતાને ગુજરાતી અનુવાદવાળો વિડિયો સંભળાયો કે વ્યક્તિગત રીકે ચેક કરવા એ તરત જ કન્ટ્રોલ રૂમ તરફ દોડ્યા હતા અને ત્યારબાદ ગવર્નરના ભાષણનો મરાઠી અનુવાદ વાંચી સંભળાવ્યો હતો. પરંતુ ગુજરાતી અનુવાદ ડિલિવર થયો એમાં કોઈ ટેકનિકલ ભૂલ હતી કે કોઈ અન્ય કારણ હતું એ હજી સ્પષ્ટ થયું નથી.

ફડણવીસે ત્યારબાદ ઊભા થઈને ગૃહની માફી માગી હતી અને સ્પીકર હરિભાઉ બાગડેને વિનંતી કરી હતી કે આ ભૂલ માટે જવાબદાર હોય એ વ્યક્તિઓ સામે તેઓ કડક પગલાં લે. આ ખરેખર ઘણી જ ગંભીર ભૂલ કહેવાય. આવા ગુનેગારોને ઘેર બેસાડી દેવા જોઈએ. હું આ ક્ષતિ બદલ ગૃહની બિનશરતી માફી માગું છું.