દહાણુ ખાતે માલગાડીમાં આગ લાગતાં પશ્ચિમ રેલવેનું લાંબા અંતરની ટ્રેનોનું ટાઈમટેબલ ખોરવાયું

મુંબઈ – ગુરુવારે મધરાતે મુંબઈની પડોશના પાલઘર જિલ્લાના દહાણુ રોડ અને વાણગાંવ સ્ટેશનો વચ્ચે એક ગૂડ્સ ટ્રેનમાં લાગેલી ભયાનક આગને કારણે પશ્ચિમ રેલવેની લાંબા અંતરની ટ્રેનોનું ટાઈમટેબલ ખોરવાઈ ગયું હતું. 12 ટ્રેનોને રદ કરવી પડી હતી તથા અન્ય 10 ટ્રેનોની સફરને ટૂંકાવી દેવામાં આવી હતી.

ગઈ કાલે મધરાત બાદ લગભગ 12.15 વાગ્યે એક ગૂડ્સ ટ્રેનના બે ડબ્બામાં આગ લાગી હતી. ટ્રેન જ્યારે દહાણુ સ્ટેશનની નજીક ઊભી હતી ત્યારે આગ લાગી હતી.

તે ગૂડ્સ ટ્રેનમાં પ્લાસ્ટિકના ગ્રેન્યૂલ્સનો માલ ભર્યો હતો. માલગાડી સુરતથી મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના ઉરણ તરફ જતી હતી. એક ઓવરહેડ વાયર તૂટીને માલગાડીના ડબ્બા પર પડ્યો હતો અને એને કારણે આગ લાગી હતી.

આગની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે એને લીધે ઓવરહેડ કેબલ્સ પણ સળગવા લાગ્યા હતા. એ કેબલ્સમાંથી ટ્રેનોને વીજપૂરવઠો સપ્લાય કરવામાં આવતો હતો.

આગ લાગ્યાની જાણ થતાં જ પશ્ચિમ રેલવેના અધિકારીઓએ વીજપૂરવઠો બંધ કરી દીધો હતો. એને કારણે મુંબઈ-અમદાવાદ રૂટ પર બંને તરફની લાઈન પર ટ્રેન સેવા અટકી ગઈ હતી.

અમદાવાદ-મુંબઈ રૂટ પર કર્ણાવતી એક્સપ્રેસ, શતાબ્દી, દુરોન્તો, ફ્લાઈંગ રાણી જેવી ટ્રેનોની સેવાને માઠી અસર પડી હતી.

પશ્ચિમ રેલવેના એક અધિકારીએ કહ્યું કે અપ અને ડાઉન, બંને લાઈન પરના ઓવરહેડ ઈક્વિપમેન્ટ્સ બળી ગયા હતા અને કેબલ્સ પીગળી ગયા હતા. એને કારણે ટ્રેન સેવા સ્થગિત થઈ ગઈ હતી.

ગુજરાત તરફની ડાઉન લાઈન રાતે 1.35 વાગ્યે શરૂ કરાઈ હતી, પરંતુ એ સ્થળે ટ્રેનોની સ્પીડ ઓછી રખાઈ હતી.

અમદાવાદ-પુણે, હિસ્સા-કોઈમ્બતુર, નિઝામુદ્દીન-પુણે, ઈન્દોર-પુણે ટ્રેનોને અન્ય રૂટ પર વાળી દેવામાં આવી હતી. પુણે-અમદાવાદ ટ્રેનને કલ્યાણ, જળગાંવ, સુરત રૂટ પર વાળી દેવાઈ હતી.

આ ઉપરાંત વિરાર-દહાણુ ટ્રેન, દહાણુ રોડ-બોરીવલી ટ્રેન રદ કરી દેવાઈ હતી.

અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ (59442) ટ્રેનની સફરને વાપી સ્ટેશને ખતમ કરી દેવાઈ હતી. 22952-ગાંધીધામ એક્સપ્રેસને ઉમરગામ સ્ટેશને રોકી દેવામાં આવી હતી.

એવી જ રીતે, દહાણુ-સુરત વિભાગ ઉપરની ટ્રેનોને રદ કરવામાં આવી હતી. બોઈસર સુધીની લોકલ ટ્રેનોને પણ રોકી દેવાઈ હતી.

શુક્રવારે સવારે, 8.50 વાગ્યે દહાણુ-વાનગાંવ વચ્ચે અપ-લાઈન ટ્રેકને ફિટ ઘોષિત કરાયો હતો. એની પરથી પસાર થતી વખતે ટ્રેનોની સ્પીડ 50 કિ.મી. પ્રતિ કલાક નક્કી કરાઈ હતી. દહાણુથી પહેલી ટ્રેન સવારે 9.02 વાગ્યે રવાના થઈ હતી.

ત્યારબાદ ધીમે ધીમે બંને લાઈન પર રેલવે સેવા પ્રસ્થાપિત કરી શકાઈ હતી. પહેલી લોકલ સવારે 9.10 વાગ્યે રવાના થઈ હતી.

દરમિયાન, આજે સવારે, ચર્ચગેટ અને વિરાર વચ્ચે લોકલ ટ્રેન સેવા રાબેતા મુજબની રહી હતી.