મુંબઈ વિમાન દુર્ઘટનાઃ પાઈલટોને ખરાબ હવામાનમાં વિમાન ઉડાડવાની ફરજ પડાઈ હતી?

મુંબઈ – આજે બપોરે અહીંના ઘાટકોપર ઉપનગરમાં એક ચાર્ટર્ડ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર સાંભળીને વિમાનના બંને પાઈલટ – મારિયા ઝુબેરી અને પ્રદીપ રાજપૂતનાં પરિવારોમાં શોક ફરી વળ્યો હતો.

તે ચાર્ટર્ડ વિમાનમાં મારિયા ઝુબેરી પાઈલટ હતાં અને રાજપૂત સહ-પાઈલટ હતા. વિમાન બપોરે 1.15ની આસપાસ ઘાટકોપર (પશ્ચિમ)માં જીવદયા લેનમાં એક બંધાઈ રહેલા મકાનના કમ્પાઉન્ડમાં તૂટી પડ્યું હતું.

બંને મૃતક પાઈલટે સમયસૂચકતા વાપરીને વિમાનને રહેણાંક મકાનો સાથે અથડાતું બચાવ્યું હતું અને એમ કરીને એમણે ઘણાય લોકોનાં જાન બચાવ્યા હતા. આ સમાચાર વહેતા થયા બાદ બંને પાઈલટની પ્રશંસા કરવામાં આવી રહી છે, પરંતુ બંનેનાં પરિવારજનોનો આરોપ છે કે વિમાનની માલિક કંપની યુ.વાય. એવિએશને વિમાનને ખરાબ હવામાન હોવા છતાં ઉડાડવાની ફરજ પાડી હતી.

બંને પાઈલટનાં સગાંઓનું કહેવું છે કે હવામાન ખરાબ હોવાને કારણે તેઓ ટેસ્ટ ફ્લાઈટ માટે તૈયાર નહોતા, પરંતુ કંપનીનાં માલિકોએ એમને ફરજ પાડી હતી. ઉક્ત કંપનીએ આ 12-સીટવાળું વિમાન 2014માં ઉત્તર પ્રદેશ સરકારની પાસેથી ખરીદ્યું હતું.

યુ.વાય. એવિએશનના કેપ્ટન સાઈ વિનોદે પાઈલટોના પરિવારજનોના આક્ષેપ અંગે કોઈ કમેન્ટ કરવાનો ઈનકાર કર્યો છે.

કેન્દ્રીય એવિએશન પ્રધાન સુરેશ પ્રભુએ આ દુર્ઘટનામાં તપાસ કરાવવાનો ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ને આદેશ આપ્યો છે.

તે વિમાન આજે બપોરે લગભગ 12.20 વાગ્યે જુહૂ એરપોર્ટ પરથી ટેક ઓફ્ફ થયું હતું અને 1.08 વાગ્યે એટીસી સાથેનો એનો સંપર્ક તૂટી ગયો હતો અને 1.10 વાગ્યે તે ઘાટકોપરના મકાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

દુર્ઘટનામાં પ્રદીપ રાજપૂત અને મારિયા ઉપરાંત બે એરક્રાફ્ટ ટેક્નિશીયન – સુરભી ગુપ્તા (એન્જિનીયર) અને મનીષ પાંડે (ટેક્નિશીયન) તથા ગોવિંદ પંડિત નામનો એક રાહદારી પણ મૃત્યુ પામ્યા છે.