મોહમયી મુંબઈનગરીમાં વિઘ્નહર્તાની વાજતેગાજતે, વિઘ્ન વગર પાર પડી વિદાય

મુંબઈ – આજે અનંત ચતુર્દશી – ગણપતિ વિસર્જન નિમિત્તે મુંબઈમાં હજારોની સંખ્યામાં ગણપતિ મૂર્તિઓનું લાખો શ્રદ્ધાળુઓએ પરંપરાગત શ્રદ્ધા, ઉત્સાહ-ઉમંગ અને ધામધૂમથી દરિયામાં અથવા કુદરતી-કૃત્રિમ તળાવોમાં વિસર્જન કર્યું છે. ગઈ 13 સપ્ટેંબરે ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશોત્સવ નિમિત્તે સ્થાપન કરેલી વિવિધ કદ, આકાર, રંગ અને રૂપની ગણપતિ મૂર્તિઓ સાથે સરઘસાકારે નીકળેલા લાખો શ્રદ્ધાળુઓ ‘ગણપતિ બાપા મોરયા-પુઢચ્યા વર્ષી લવકર યા’, ‘ગણપતિ બાપા મોરયા, અગલે બરસ તૂ જલદી આ’, ‘ગણપતિ ચાલલે ગાવાલા, ચૈન પડે ના આમ્હાલા’ નારા લગાવતા, ભજન ગાતા, વાદ્યો વગાડતા, નાચતા, આગળ વધતા જોવા મળ્યા હતા. રસ્તાઓ પર ઠેર ઠેર ગુલાલ ઉડાડવામાં આવ્યો હતો.

લાલબાગચા રાજાને વિદાય…

આ મૂર્તિઓમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની તથા ઘરેલુ શ્રદ્ધાળુઓની મૂર્તિઓનો સમાવેશ થતો હતો. ગણપતિ વિસર્જન સાથે 11 દિવસ સુધી ચાલેલા ગણેશોત્સવનું સમાપન થયું છે.

મુંબઈમાં, શહેરના દક્ષિણ ભાગના ગિરગામ ચોપાટી, જુહૂ ચોપાટી (વિલે પારલે), વર્સોવા (અંધેરી), માર્વે (મલાડ), ગોરાઈ (બોરીવલી) વગેરે બીચના દરિયામાં, પવઈ સરોવરમાં અને દાદર ચોપાટીના દરિયામાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

ગણેશ વિસર્જન માટે મુંબઈમાં 53 મોટા રસ્તાઓ પર ટ્રાફિક આજે બંધ રાખવામાં આવ્યો છે. તેમજ મુંબઈ પોલીસે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા રાખી છે. તમામ મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે અને તે દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી છે.

મધ્ય મુંબઈ સ્થિત લાલબાગ વિસ્તારના સૌથી પ્રસિદ્ધ એવા લાલબાગચા રાજા ગણપતિની 22 ફૂટ વિરાટ કદની મૂર્તિ સાથે શ્રદ્ધાળુઓ બપોરે રવાના થયા હતા. સરઘસમાં માનવમહેરામણ ઉમટ્યો હતો. લાલબાગચા રાજા જે જે રસ્તાઓ પરથી પસાર થયા ત્યાં એમનાં દર્શન કરવા માટે ગણેશભક્તોની મોટી ભીડ જોવા મળી હતી.

લાલબાગ વિસ્તારમાં જ આવેલી ગણેશ ગલીના સાર્વજનિક મંડળના ગણપતિ, જે મુંબઈચા રાજા તરીકે ઓળખાય છે, તેની મૂર્તિ સાથે શ્રદ્ધાળુઓ આજે સવારે સૌથી પહેલા રવાના થયા હતા.