મુંબઈઃ સંજય ગાંધી નેશનલ પાર્કમાં તોફાની તત્વોએ આગ લગાડી હતી

મુંબઈ – શહેરના ગોરેગામ (ઈસ્ટ) ઉપનગરમાં સંજય ગાંધી નેશનલ પાર્ક અને આરે મિલ્ક કોલોની વિસ્તારના જંગલમાં આગ લાગવાના બનાવો છેલ્લા અમુક દિવસોથી વધી રહ્યા છે. રાજ્યના વન વિભાગના અધિકારીઓ તથા સ્વયંસેવકોને શંકા છે કે આગ તોફાની તત્વો દ્વારા ઈરાદાપૂર્વક લગાડવામાં આવે છે.

સેવાભાવી સંસ્થાના સ્વયંસેવકો સંજય ગાંધી નેશનલ પાર્કમાં તુલસી રેન્જની અંદરના યોગી હિલ્સ વિસ્તારમાં જંગલમાં લાગેલી આગને બુઝાવવા ગયેલા વન વિભાગના કર્મચારીઓને મદદરૂપ થવા ગયા હતા ત્યારે ધાર્મિક બાંધકામ નજીક એમને દીવડાઓ મળી આવ્યા હતા. એ જોઈને એમને આંચકો લાગ્યો હતો. એમને એવી શંકા ગઈ હતી કે કેટલાક લોકો નેશનલ પાર્કમાં ગેરકાયદેસર રીતે પ્રવેશે છે.

આ શંકા જવાને પગલે નેશનલ પાર્કમાં ચોકીપહેરો કડક બનાવવામાં આવશે અને પાર્કમાં ગેરકાયદેસર રીતે પ્રવેશનારાઓ સામે પગલાં લેવામાં આવશે.

ગયા બુધવારે વહેલી સવારે લગભગ સાડા ચાર વાગ્યાના સુમારે જંગલમાં લાગેલી આગને વન વિભાગના કર્મચારીઓ તથા સ્વયંસેવકોએ ઘણી મહેનતે બુઝાવી હતી.