એર ઈન્ડિયાની મુંબઈ-અમદાવાદ ફ્લાઈટમાં આગની ઘટના; કોઈ જાનહાનિ નથી

મુંબઈ – એર ઈન્ડિયાનું એક પેસેન્જર વિમાન ગઈ કાલે રાતે અમદાવાદ જવા માટે અહીંથી ટેક ઓફ્ફ કરવાની તૈયારીમાં હતું એ વખતે એમાં આગ લાગી હોવાનું જણાયું હતું.

સત્તાવાર સૂત્રોએ કહ્યું કે એ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આગની ઘટના રાતે લગભગ 9.20 વાગ્યાના સુમારે થઈ હતી.

એર ઈન્ડિયાની એરબસ ફ્લાઈટ એઆઈ-091 અમદાવાદ માટે ટેક-ઓફ્ફ કરવાની તૈયારીમાં જ હતી ત્યારે પોર્ટ એન્જિનમાં આગ લાગી હતી. વિમાનના ટેક-ઓફ્ફ પર દેખરેખ રાખી રહેલા એરપોર્ટના એક ગ્રાઉન્ડ અધિકારીને પોર્ટ એન્જિનમાંથી ધૂમાડો નીકળતાં દેખાયો હતો અને તરત જ ફ્લાઈટના પાઈલટને જાણ કરી હતી. પાઈલટે તરત જ વિમાનના બંને એન્જિન બંધ કરી દીધા હતા અને ટેક-ઓફ્ફ કરવાનું ટાળ્યું હતું.

પ્રવાસીઓને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા અને અન્ય ફ્લાઈટ મારફત એમને રવાના કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ વિમાનને વધુ ચકાસણી માટે બૅ ખાતે ટો કરી જવાયું હતું.