મુંબઈમાં BPCL પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ લાગી; 43 કામદાર ઘાયલ

0
1245

મુંબઈ – શહેરના પૂર્વ ભાગમાં આવેલા ચેંબુર, માહુલ ઉપનગરોમાં આવેલા ટાટા પાવર વિસ્તારમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીસીસીએલ) ઓઈલ રીફાઈનરીના પ્લાન્ટમાં આજે બપોરે લગભગ 3 વાગ્યાના સુમારે કાન ફાડી નાખે એવા જોરદાર અવાજ સાથે બોઈલર ફાટ્યા બાદ ભયાનક આગ ફાટી નીકળી હતી. દુર્ઘટનામાં કોઈ જાનહાનિનો અહેવાલ નથી, પરંતુ કંપનીના 43 કામદારો ઘાયલ થયા છે. એમાંના 22 જણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમાંના એક જણની હાલત ગંભીર હતી.

ચેંબૂરના માહુલ રોડ ખાતે ટાટા પાવર ખાતે બીપીસીએલની રીફાઈનરી આવેલી છે.

બીપીસીએલના હાઈડ્રો ક્રેકર યુનિટમાં લાગેલી આગને અગ્નિશામક દળે લેવલ નંબર-3ની ગણાવી હતી. સાંજે લગભગ 4.15 વાગ્યે અગ્નિશામક દળના જવાનોએ આગ પર અંકુશ મેળવી લીધાની બીપીસીએલ તરફથી જાણકારી આપવામાં આવી હતી.

આગ લાગ્યાની જાણ થતાં તરત જ 25 ફાયર એન્જિન્સ સાથે અગ્નિશામક દળના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાથે બે ફોમ ટેન્ડર્સ અને જમ્બો ટેન્કર્સ પણ હતી. જવાનોએ 500-600 જેટલા કામદારોને બચાવી લીધા હતા.

ધડકો એટલો બધો પ્રચંડ હતો કે એને લીધે ચેંબૂર, માહુલ, સાયન ઉપનગરો સુધીના વિસ્તારો હચમચી ગયા હતા. છેક દેવનાર વિસ્તાર સુધી લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો.

ધડાકાનો અવાજ એટલો જબ્બર હતો કે ચેંબૂરના ટાટા પાવર સ્ટેશન તથા આર.સી. માર્ગ પરના મકાનો હચમચી ગયા હતા અને લોકો ગભરાટના માર્યા એમના ઘરમાંથી બહાર રસ્તા પર દોડી ગયા હતા.