મુંબઈમાં ચોમાસાની આખરે શરૂઆત થઈ છે; એકાદ-બે દિવસમાં ચોમાસું જોર પકડે એવી આગાહી છે

મુંબઈ – મહાનગર મુંબઈ તેમજ પડોશના નવી મુંબઈ, થાણે, પાલઘર જિલ્લાના ભાગોમાં ચોમાસાનો વરસાદ સતત અને ક્યાંક ધોધમાર પણ વરસી રહ્યો છે. મુંબઈમાં ચોમાસાએ બેસવામાં આ વર્ષે ઘણું મોડું કર્યું છે. ગઈ કાલ રાતથી જ ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું છે. સવારે પણ વરસાદ એ રીતે વરસી રહ્યો હતો. મુંબઈમાં સામાન્ય રીતે ચોમાસું 8-10 જૂને બેસી જતું હોય છે, પણ આ વખતે છેક આજે, 28 જૂને પહેલી વાર ચોમાસાની હાજરીનો અનુભવ થયો છે.

હવામાન વિભાગનું અનુમાન છે કે મુંબઈમાં એકાદ-બે દિવસમાં ચોમાસું જોર પકડશે.

મુંબઈ ઉપરાંત દક્ષિણ-પૂર્વ રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, દક્ષિણ છત્તીસગઢ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં પણ હળવાથી લઈને મધ્યમ પ્રકારનો ચોમાસાનો વરસાદ પડવાની સંભાવના છે.

નૈઋત્યનું ચોમાસું ફરી એકદમ સક્રિય બનતાં વરસાદ શરૂ થયો છે.

મહારાષ્ટ્રના ઘાટવિસ્તારોમાં ધોધમાર વરસાદ છે.

મુંબઈમાં પીવાના પાણીની કારમી તંગી ઊભી થવાની સંભાવના છે તેથી મેઘરાજા મહાનગર પર મન મૂકીને વરસે અને ધોધમાર વરસાદ વરસાવી જળાશયો છલકાવી દે એની મુંબઈવાસીઓ રાહ જોઈ રહ્યાં છે.