‘કાલા’ ફિલ્મ માટે મુંબઈમાં રજનીકાંતના ચાહકોમાં ભારે ઉત્સાહ

મુંબઈ – દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતની નવી તામિલ ફિલ્મ કાલા આજથી રિલીઝ થઈ રહી છે. મુંબઈમાં એની હિન્દી ડબિંગ આવૃત્તિ રિલીઝ થઈ છે.

મધ્ય મુંબઈમાં દક્ષિણ ભારતીય લોકોની વસ્તીવાળા કિંગ સર્કલ અને વડાલા ઉપનગરોમાં અરોરા અને કાર્નિવલ થિયેટરોની બહાર ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. ફિલ્મની ટિકિટ ખરીદવા માટે લોકો વહેલી સવારથી, વરસાદની પરવા કર્યા વગર ભીંજાયેલી હાલતમાં લાઈનમાં ઊભેલા જોવા મળ્યા હતા.

ટિકિટ મેળવી ચૂકેલા અનેક લોકો હાથમાં ટિકિટ સાથે અને રજનીકાંતની તસવીરો સાથે નાચતા હતા અને રજનીકાંતની ફિલ્મોના ગીતો ગાતા હતા.

રજનીકાંતના ચાહક એવા કેટલાક યુવાનો એમની છાતી અને પેટ પર રજનીકાંતનું મોટું ચિત્ર દોરીને આવ્યા હતા. કેટલાક લોકો ડ્રમ વગાડતા હતા.

‘કાલા’ ફિલ્મમાં રજનીકાંતે મુંબઈના ધારાવી વિસ્તારની ઝૂંપડપટ્ટીના દાદા (ગેંગસ્ટર) કાલા કરિકાલનનો રોલ કર્યો છે. ફિલ્મ મુંબઈમાં રહેતા તામિલ લોકો પર આધારિત છે. કરિકાલન એક તામિલ રાજા હતો, જે અનેક પરાક્રમી કારનામાઓ માટે જાણીતો હતો.

ફિલ્મમાં હુમા કુરેશી મુખ્ય અભિનેત્રી તરીકે છે.