મુંબઈમાં સકંજો વધારતી ડેન્ગ્યૂ બીમારી; ઓગસ્ટના પહેલા પખવાડિયામાં નવા 79 કેસ નોંધાયા

0
1195

મુંબઈ – ડેન્ગ્યૂની બીમારીનું જોર મુંબઈમાં વધતું જોવા મળ્યું છે. ગયા જૂન અને જુલાઈની સરખામણીમાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યૂનાં કેસોમાં ઘણો વધારો થયો છે.

બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, ઓગસ્ટના પહેલા 15 દિવસમાં જ ડેન્ગ્યૂનાં નવા 79 કેસ નોંધાયા છે.

જુલાઈમાં આ બીમારીના 60 કેસ નોંધાયા હતા અને જૂનમાં 21 કેસ આવ્યા હતા. પરંતુ ઓગસ્ટમાં પહેલા બે જ અઠવાડિયામાં 79 કેસો આવતાં આરોગ્ય વિભાગ ચિંતામાં પડી ગયો છે.

આ વર્ષે ચોમાસાની મોસમમાં મુંબઈમાં ડેન્ગ્યૂનાં અત્યાર સુધીમાં 160 કેસો નોંધાયા છે.

ખાસ કરીને મચ્છરો દ્વારા ફેલાતી આ બીમારી સામે આરોગ્ય વિભાગ સતર્ક છે અને શહેરભરમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. મહાપાલિકા તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સૌ પોતપોતાનાં વિસ્તારો, ઘર, અગાસીમાં સ્વચ્છતા રાખે. મચ્છરો બેસે નહીં એની ખાસ તકેદારી રાખે.