નોટબંધી નિર્ણય લાભદાયી રહ્યો છેઃ દેવેન્દ્ર ફડણવીસ

નાગપુર – વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે ૨૦૧૬ની ૮ નવેમ્બરની મધરાતથી રૂ. ૫૦૦ તથા રૂ. ૧૦૦૦ના મૂલ્યની નોટને ચલણમાંથી રદ કરવાના લીધેલા ઐતિહાસિક નિર્ણયે આજે એક વર્ષ પૂરું કર્યું છે. એ નિર્ણયની વિરુદ્ધમાં તેમજ સમર્થનમાં દેશભરમાં દલીલબાજી થઈ રહી છે.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે અહીં પત્રકાર પરિષદમાં નોટબંધી નિર્ણયથી થયેલા ફાયદાની જાણકારી આપી હતી.

ફડણવીસે કહ્યું કે, આજનો દિવસ મહત્વનો અને ઐતિહાસિક દિવસ છે. નોટબંધી કે DeMonetisation લાગુ થયાની પહેલી વર્ષગાંઠે ટાટા કન્સલ્ટન્સી સેન્ટરનું ઉદઘાટન આનંદનો પ્રસંગ છે અને અમે ડિજિટલી ભરોસાપાત્ર અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપીએ છીએ.

ફડણવીસે વધુમાં કહ્યું કે, બેન્કોમાં આવેલા કાળા ધન પર કરવસૂલી શરૂ કરી દેવાઈ છે. નોટબંધી નિર્ણય લાગુ કરાયાનો ફાયદો એ થયો કે લોકો કેશલેસ ઈકોનોમી તરફ વળ્યા છે.

બેન્કોમાં આવેલા રૂ. ૧૫ લાખ ૫૦ હજાર કરોડની રકમ પર હવે ટેક્સ વસૂલ કરાશે. નોટબંધી અમલમાં આવ્યા બાદ કરદાતાઓની સંખ્યા ડબલ થઈ ગઈ છે. નવા ૬.૩૦ કરોડ નવા કરદાતાઓ મળ્યા છે, એમ પણ મુખ્યપ્રધાન ફડણવીસે વધુમાં કહ્યું હતું.