દહાણુઃ 40 વિદ્યાર્થીઓ ભરેલી હોડી ડૂબી, 4ના મોત, 32ને બચાવાયાં

મુંબઈ- મહારાષ્ટ્રના પાલઘરમાં એક મોટી ઘટના બની છે. દહાણુ પાસે અરબી સમુદ્રમાં 40 વિદ્યાર્થીઓને લઈને જતી હોડી ડૂબી છે. અત્યાર સુધીમાં 4 બાળકોના મોત થયાં છે, અને 32 બાળકોને સુરક્ષિત બચાવી લેવાયાં છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. પાલઘરના જિલ્લા અધિકારી પ્રશાંત નારનવારે જણાવ્યું હતું કે હોડી સ્કૂલના બાળકોને લઈને જઈ રહી છે, જેમાં 40 બાળકો સવાર હતા. હોડી ડુબવાના સમાચાર મળતાં જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જે પછી સ્થાનિક માછીમારોની મદદ લેવાઈ અને 32 બાળકોને બચાવી લેવાયા હતા.

જાણવા મળ્યા મુજબ તમામ વિદ્યાર્થીઓ સ્થાનિક બાબુભાઈ જુનિય કોલેજમાં ભણતા હતા. સ્થાનિક માછીમારોની મદદથી બોટની મદદ સાથે રેસ્કયૂ ઓપરેશન કરાયું હતું, તેમની સાથે ભારતીય કોસ્ટ ગાર્ડ પણ વિદ્યાર્થીઓને બચાવી લેવાના ઓપરેશનમાં જોડાયા હતા.