મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી 20-20 બેઠકો પર લડશે ચૂંટણી

0
1211

મુંબઈ: લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી કોંગ્રેસ અને એનસીપી 20-20 બેઠકો પર લડવા સહમત છે. બાકીની આઠ બેઠક સહયોગી દળોના નેતાઓ માટે છોડવામાં આવી છે. બે-ત્રણ બેઠક એવી પણ છે, જ્યાં કોંગ્રેસ અને એનસીપી બંને પોતપોતાનો દાવો કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને પક્ષોના નેતાઓ વચ્ચે થયેલી લાંબી મંત્રણાઓ અને બેઠકો બાદ આખરે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે 5૦:5૦ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે.

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 26 સીટ પર લડી હતી અને તેના બે સાંસદ જીતીને આવ્યા હતા, જ્યારે એનસીપીએ 21 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા હતા અને તેને પાંચ બેઠક પર જીત મળી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ અમરાવતી અને થાણા સંસદીય બેઠક પર પણ પોતાનો દાવો કરી રહી છે. આ બંને બેઠક હાલ શિવસેના પાસે છે.

ભાજપથી અલગ થયેલા અપક્ષ સાંસદ રાજુ શેટ્ટીએ જણાવ્યું કે મહાગઠબંધન અંગે હાલ કોંગ્રેસ-એનસીપીએ અન્ય નેતાઓ સાથે મંત્રણા કરી નથી. તેમની વચ્ચે બેઠકોની વહેંચણી અંગે કોઈ ફોર્મ્યુલા ફાઈનલ થઈ છે કે નહીં તેની પણ કોઈને જાણ કરવામાં આવી નથી.

ગઈ કાલે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે લોકસભા ચૂંટણી અંગે પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. રાયગઢથી એનસીપીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેની ઉમેદવારી અત્યારથી જ નિશ્ચિત મનાય છે. જ્યારે બારામતીથી સુપ્રિયા સુલે અને સતારાથી ઉદયન રાજેની ઉમેદવારી પર પણ મહોર લાગી ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

કોંગ્રેસ સાથે ગઠબંધન અને સીટોની ફોર્મ્યુલા નક્કી થયા બાદ તુરંત જ એનસીપીએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જે બેઠકો માટે કોંગ્રેસ સાથે મતભેદ છે તેના માટે એનસીપી અધ્યશ્ર પવાર ખુદ કોંગ્રેસ સાથે વાતચીત કરી રહ્યા છે.

ગઈ કાલે શરદ પવારે કોલ્હાપુર, રાયગઢ, બીડ, ઉસ્માનાબાદ, પરભણી, બુલઢાણા અને જલગાંવ બેઠક માટે પક્ષના વરિષ્ઠ સભ્યો સાથે બેઠક યોજી હતી. કોલ્હાપુરમાં ધનેજય મહાણિકને ઉમેદવાર બનાવવાનો હસન મુશ્રીફ વિરોધ કરી રહ્યા છે. મુશ્રીફ અહીંથી ખુદ ચૂંટણી લડવા ઈચ્છે છે. આ સીટનો અંતિમ નિર્ણય શરદ પવાર જ કરશે.