આવો, આજે સૌ સાથે મળીને માણીએ ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા ૨૦૧૮’નો ઈનામ વિતરણ સમારંભ

મુંબઈ – ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ (વર્ષ ૧૨મું)નો પારિતોષિક વિતરણ સમારંભ આજે, ૧૯ જાન્યુઆરી શુક્રવારે સાંજે ૬.૩૦ કલાકે સરદાર પટેલ સભાગૃહ, ભવન્સ કેમ્પસ અંધેરી ખાતે યોજવામાં આવશે.

આ વખતનો ઈનામ વિતરણ સમારંભ એક અવનવો જલસો બની રહેવાનો છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા ગુજરાતના વિવિધ પ્રદેશોના નામાંકિત કલાકારો કાફલા સાથે, જાણીતા ગીતોને સથવારે દિલધડક ફ્યુઝન ડાન્સની રજૂઆત કરવામાં આવશે.

આ વખતની સ્પર્ધા માટે ત્રણ નિર્ણાયકો – રોબિન ભટ્ટ, મહેશ ચંપકલાલ શાહ અને કમલેશ મોતા દ્વારા શ્રેષ્ઠ નાટકો સહિત વિવિધ તમામ શ્રેણીઓમાં સંભવિત વિજેતાઓનાં નામોની જાહેરાત કરવામાં આવી છે.

શ્રેષ્ઠ નાટકની કેટેગરી માટે નામાંકિત થયેલા સાત નાટક આ છે.

  • સાત સમંદર સૌની અંદર (સીલ્યુએટ થિયેટર્સ, સુરત)
  • કાચીંડો (ક્લેપ ટ્રેપ ધ ટ્રુપ, મુંબઈ)
  • પોતપોતાનું કેનવાસ (સમૃદ્ધિ પ્રોડક્શન, અમદાવાદ)
  • રાવતો (ગીત થિયેટર, વડોદરા)
  • ધ ગેઈમ (જહાંગીર ગ્રુપ, નવસારી)
  • એક વત્તા એક અગિયાર (થિયેટર ઓફ જનરેશન નેક્સ્ટ, સુરત)
  • સંતાકુકડી (શિવઅંશમ્, સુરત)

આ ઉપરાંત શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ કલાકાર (પુરુષ પાત્ર), શ્રેષ્ઠ કલાકાર (સ્ત્રી પાત્ર), શ્રેષ્ઠ સહકલાકાર (પુરુષ પાત્ર), શ્રેષ્ઠ સહકલાકાર (સ્ત્રી પાત્ર), શ્રેષ્ઠ યુવા કલાકાર, શ્રેષ્ઠ મૌલિક નાટક, શ્રેષ્ઠ કલાનિર્દેશન, શ્રેષ્ઠ પ્રકાશ રચના, શ્રેષ્ઠ સંગીત રચના તથા શ્રેષ્ઠ વેશભૂષા શ્રેણીમાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે.

ગુજરાતનાં તળપદાં ગીત-સંગીત અને ભાતીગળ નૃત્યના ઉત્સવની સાથે જ બોલીવૂડ-ટેલીવૂડની જાણીતી હસ્તીના હાથે આ હરીફાઈના વિજેતાઓને મળશે વિવિધ પારિતોષિક. આ જ વર્ષે ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અને દિવંગત ધુરંધરોની સ્મૃતિમાં વિશેષ પ્રથમ ઈનામ એનાયત થશે.

નાટ્યકાર તારક મહેતાની સ્મૃતિમાં ‘શ્રેષ્ઠ મૌલિક કૃતિ’નું ઈનામ આસિતકુમાર મોદી તરફથી, કાન્તિ મડિયાની સ્મૃતિમાં ‘શ્રેષ્ઠ દિગ્દર્શન’નું ઈનામ મહેશ વકીલ (સુરત) તરફથી, શફી ઈનામદારની સ્મૃતિમાં ‘શ્રેષ્ઠ અભિનેતા’નું ઈનામ કાજલ ઓઝા વૈદ્ય (અમદાવાદ) તરફથી અને પદ્મારાણીની સ્મૃતિમાં ‘શ્રેષ્ઠ અભિનેત્રી’નું ઈનામ અરવિંદ રાઠોડ (મુંબઈ) તરફથી જાહેર કરવામાં આવ્યું છે.

નોંધવાલાયક વાત એ છે કે આ સ્પર્ધાની શરૂઆતથી અત્યાર સુધી દર વખતે શ્રેષ્ઠ નવોદિત બાળકલાકારને ‘ચિત્રલેખા’ના મૌલિક કોટકના પુત્ર જયની સ્મૃતિમાં ‘જય મૌલિક કોટક ટ્રૉફી’ સાથે રોકડ ઈનામ પણ આપવામાં આવે છે.

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ના અન્ય સહયોગીઓ છેઃ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા.લિ. (એસઆરકે) સુરત, જીવનભારતી મંડળ (સુરત), એગ્રોસેલ ઈન્ડસ્ટ્રિઝ (ભૂજ), રાજવી જોશી- રાજ થિયેટર (મુંબઈ), ભવન કલા કેન્દ્ર-ચોપાટી, મુંબઈ તથા ભવન્સ-અમદાવાદ.

પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં પ્રવેશ વિનામૂલ્યે છે. બેઠકવ્યવસ્થા ‘વહેલો તે પહેલો’ ધોરણે છે.