‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’: શ્રેષ્ઠ સર્જનોની અંતિમ સ્પર્ધા

મુંબઈ – ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ (વર્ષ ૧૨મું)ની ફાઈનલનો શુભારંભ બુધવાર, 3 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર અને મુંબઈ બંધની અફરાતફરી તથા અનિશ્ચિતતાના માહોલ વચ્ચે પણ સાંજે રંગેચંગે પાર પડ્યો હતો.

‘સાત સમંદર સહુની અંદર’ નાટકનું એક દ્રશ્ય

સુરતની સંસ્થા ‘સીલ્યૂએટ થિયેટર’ના કલાકારોએ ડો. રઈશ મનીઆર લિખિત ‘સાત સમંદર સહુની અંદર’ નાટકની વેગળી રજૂઆત કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ પ્રસંગે નાટ્યસ્પર્ધાના આયોજક ભવન્સ કલ્ચરલ સેન્ટરના લલિત શાહ, પ્રવીણ સોલંકી અને નિરંજન મહેતાએ પ્રાસંગિક પ્રવચન કર્યા. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષ નવીન દવે, ‘જન્મભૂમિ’ ગ્રુપના સીઈઓ કુંદન વ્યાસ તથા ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીએ ભારતીય વિદ્યા ભવનના સંસ્થાપક કનૈયાલાલ મુનશીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય વિદ્યા ભવનમાં છેક ૧૯૫૧માં સર્વપ્રથમ વાર વિવિધ ભાષાની નાટ્યસ્પર્ધાનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું.

આ વર્ષની ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધાની’ ફાઈનલ તળ મુંબઈના ભવન્સ સભાગૃહમાં ૧૩ જાન્યુઆરી સુધી ચાલશે.

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ના અન્ય સહયોગીઓ છેઃ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા.લિ. (એસઆરકે) સુરત, જીવનભારતી મંડળ (સુરત), એગ્રોસેલ ઈન્ડસ્ટ્રિઝ (ભૂજ), રાજવી જોશી- રાજ થિયેટર (મુંબઈ), ભવન્સ કલા કેન્દ્ર.

આજનું નાટક (તા. ૪-૧-૨૦૧૮)

કાચીંડો

સંસ્થાઃ ક્લેપ ટ્રેપ ધ ટ્રુપ, મુંબઈ

લેખકઃ પ્રવીણ સોલંકી

દિગ્દર્શકઃ હેમાંગ વ્યાસ

સ્થળઃ ભવન્સ-ચોપાટી, મુંબઈ

સમયઃ સાંજે ૭.૩૦

(તસવીરોઃ દીપક ધુરી)