CM ફડણવીસ દિલ્હીમાં; મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં ફેરફારોની શક્યતા પ્રબળ

મુંબઈ/નવી દિલ્હી – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એમના પ્રધાનમંડળમાં ફેરફારો કરવાની તૈયારીમાં હોવાની ધારણા છે. એ આજે રાષ્ટ્રીય પાટનગર દિલ્હી ગયા છે એટલે આ ફેરફારો વિશેની અટકળોને વેગ મળ્યો છે.

એવા અહેવાલો છે કે SRA ગેરવ્યવહાર પ્રકરણમાં લોકાયુક્તે જેમને ઠપકો આપ્યો છે તે રાજ્યના ગૃહનિર્માણ ખાતાના પ્રધાન પ્રકાશ મહેતાને ફડણવીસ કદાચ ગડગડિયું આપશે.

તાડદેવ વિસ્તારસ્થિત એમ.પી. મિલ કમ્પાઉન્ડમાં એસઆરએ યોજનામાં ડેવલપરોને લાભ કરાવવા માટે નિયમોનું ઉલ્લંઘન કરીને ડેવલપરોને એફએસઆઈ અન્યત્ર વાપરવાની મંજૂરી આપવાનો પ્રકાશ મહેતા પર આરોપ છે.

મુંબઈના તાડદેવ વિસ્તારસ્થિત એસ.આર.એ. ગેરવ્યવહાર પ્રકરણમાં કથિત સંડોવણી બદલ પ્રકાશ મહેતાને પ્રધાનપદ ગુમાવવું પડે એવી શક્યતા છે.

ગૃહનિર્માણ પ્રધાન પ્રકાશ મહેતા

બીજી બાજુ, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ભૂતપૂર્વ વિરોધપક્ષ નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલને પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવશે એવી પણ વાતો છે.

મુખ્ય પ્રધાન ફડણવીસ આજે દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનને મળ્યા હતા. આ તમામ સાથે એમની મુલાકાત ઔપચારિક સ્તરની હતી, પણ ફડણવીસે પોતાના પ્રધાનમંડળમાં ફેરફારો કરવા મામલે પણ પક્ષના કેન્દ્રીય સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરી હોવાનું મનાય છે.

આવતા 3-4 દિવસમાં જ ફડણવીસ પ્રધાનમંડળમાં ફેરફાર થવાની ધારણા છે.

રાધાકૃષ્ણ વિખે પાટીલે કોંગ્રેસ પાર્ટીના વિધાનસભ્ય પદેથી પોતાનું રાજીનામું મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરને સુપરત કરી દીધું છે. આ સાથે જ એમના ભાજપપ્રવેશનો માર્ગ મોકળો થયો છે.

મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ રાવસાહેબ દાનવે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં સામેલા થયા છે. એ ગઈ કાલે અમિત શાહને મળ્યા હતા. શાહ હજી પણ પક્ષપ્રમુખ છે.

એમ.પી. મિલ કમ્પાઉન્ડ એસઆરએ ગેરરીતિ પ્રકરણમાં લોકાયુક્તે પ્રકાશ મહેતાને ઠપકો આપ્યો છે અને આ પ્રકરણમાં મહેતા સામે કાર્યવાહી કરવામાં આવે એવી સંભાવના છે.

દરમિયાન, મહેતાએ કહ્યું છે કે લોકાયુક્તે પોતાને ઠપકો આપ્યો હોવાની એમને કોઈ જાણકારી નથી.

લોકાયુક્ત એમ.એલ. ટહિલ્યાની દ્વારા આ કેસમાં તપાસ હાથ ધરવામાં આવી છે. મહેતાએ એક પ્રધાન તરીકે એમની જવાબદારી નિષ્પક્ષ રીતે નિભાવી નથી અને એમનું કામકાજ પારદર્શી રહ્યું નથી એવો ટહિલ્યાનીએ ઠપકો આપ્યો છે.

દરમિયાન, વિરોધપક્ષ કોંગ્રેસે માગણી કરી છે કે લોકાયુક્તે રાજ્ય સરકારને આપેલો અહેવાલ સરકારે જાહેર કરવો જોઈએ.