મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામતનો લાભ મળવો જોઈએઃ છગન ભૂજબળ

મુંબઈ – રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા છગન ભૂજબળે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં અધર બેકવર્ડ ક્લાસીસ (OBC) માટેના હાલના ક્વોટાને અસર પાડ્યા વિના મરાઠા સમુદાયને અનામતનો લાભ આપવો જોઈએ.

ભૂજબળે રાફેલ જેટ વિમાન સોદા સહિત અનેક મુદ્દાઓ પર મોદી સરકારની આકરી ટીકા કરી હતી.

ભૂજબળે બીડ શહેરમાં સામાજિક સમાનતાને લગતા સંમેલન ‘સમતા મેળાવા’માં કરેલા સંબોધનમાં કહ્યું હતું કે અધર બેકવર્ડ ક્લાસીસ માટેના ક્વોટાને અસર ન પડે એ રીતે મરાઠા સમાજના લોકોને પણ અનામતનો લાભ આપવો જોઈએ. કાયદામાં એવું ક્યાંય કહ્યું નથી કે અનામતની મર્યાદા 50 ટકાથી વધવી ન જોઈએ. તામિલનાડુમાં 69 ટકા અનામત આપવામાં આવે છે, તો પછી મહારાષ્ટ્ર સરકાર મરાઠાઓને શા માટે આપી ન શકે? એવો સવાલ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ભૂજબળે કર્યો છે.

મરાઠા સમાજ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી વગ ધરાવે છે. રાજ્યની કુલ વસ્તીમાં મરાઠાઓ 30 ટકા હિસ્સો ધરાવે છે. એમની માગણી છે કે સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં એમને માટે 16 ટકા બેઠકો અનામત રાખવી જોઈએ.

ભૂજબળે કહ્યું કે, ઓબીસી લોકોને ભલે અનામતનો લાભ અપાયો છે, પણ પછાત સમાજોમાંથી આવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનું બંધ કરી દેવું જોઈએ.