મુંબઈમાં ગણેશ વિસર્જન વખતે ડીજે, ડોલ્બી સાઉન્ડના ઉપયોગનો મામલો હાઈકોર્ટમાં

મુંબઈ – મહાનગરમાં ગણપતિ વિસર્જન વખતે ડિસ્ક જોકી (ડીજે) સિસ્ટમ અને ડોલ્બી સાઉન્ડનો ઉપયોગ કરવા પર મુંબઈ પોલીસે પ્રતિબંધ મૂક્યો છે, પણ એના નિર્ણયની વિરુદ્ધમાં કેસ કરવામાં આવ્યો છે. મુંબઈ હાઈકોર્ટે કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

માત્ર ગણેશ વિસર્જન વખતે જ નહીં, પણ ગણેશ ચતુર્થી તેમજ નવરાત્રી જેવા ઉત્સવો વખતે પણ ડીજે તથા હાઈ-વોલ્યૂમવાળી સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવા પર મુંબઈ પોલીસે પ્રતિબંધ મૂક્યો છે.

પોલીસના આ નિર્ણયને પ્રોફેશનલ ઓડિયો એન્ડ લાઈટિંગ એસોસિએશને હાઈકોર્ટમાં પડકાર્યો છે. એણે કોર્ટને કહ્યું છે કે આ પ્રતિબંધને દૂર કરવામાં આવે. હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

મહારાષ્ટ્ર સરકાર વતી કોર્ટમાં ઉપસ્થિત રહેલા એડવોકેટ જનરલ આશુતોષ કુંભાકોનીએ દલીલ કરી હતી કે ડીજે સાઉન્ડ સિસ્ટમ્સ અવાજના પ્રદૂષણ વિરુદ્ધ ઘડવામાં આવેલા નિયમોનો ભંગ કરે છે. આવી સિસ્ટમ્સ નિશ્ચિત કરાયેલી મર્યાદા કરતાં વધારે પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. આવી સિસ્ટમ વગાડવા દેવાથી લોકોનું મોટું ટોળું જમા થાય છે અને તેની સરખામણીમાં પોલીસ જવાનો ઓછી સંખ્યામાં હોવાથી ટોળાને વિખેરવાનું પોલીસો માટે મુશ્કેલ બની જાય. એને કારણે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ શકે. માટે જ રાજ્ય સરકારે ડીજે અને ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

એની સામે, અરજદાર એસોસિએશન વતી ઉપસ્થિત રહેલા એડવોકેટ એસ.બી. તળેકરે કહ્યું કે ડીજે અને ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ ધ્વનિ પ્રદૂષણના નિયમોનો ભંગ કરે છે એ વાત ખોટી છે. લાઈવ કોન્સર્ટ અને ઈન્ડોર કાર્યક્રમોમાં ડીજે વગાડવા દેવામાં આવે છે તો જાહેર સ્થળોએ પણ એ વગાડવા દેવા જોઈએ.

મુંબઈમાં ગણપતિ વિસર્જન વખતે ડિસ્ક જોકીઝ (ડીજે) અને ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ સપ્લાય કરનાર 1400 સભ્યો પ્રોફેશનલ ઓડિયો એન્ડ લાઈટિંગ એસોસિએશન સાથે જોડાયેલા છે.

સુનાવણી વખતે મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશોએ 14 સપ્ટેંબરે કહ્યું હતું કે વાસ્તવિક્તા સામે અમે આંખમિંચામણા કરી શકીએ નહીં. રાજ્ય સરકાર પાસે એટલું મોટું પોલીસ દળ નથી કે દરેક સ્થળે ધ્વનિ પ્રદૂષણની ચકાસણી કરી શકે. તેથી જ એણે પ્રતિબંધ મૂક્યો છે.

મુંબઈમાં 11 હજારથી વધુ સાર્વજનિક ગણેશ મંડળો છે.

મુંબઈ પોલીસે કહ્યું છે કે ગણપતિ વિસર્જન વખતે અવાજના પ્રદૂષણની અમને ફરિયાદ મળશે તો અમે અવાજ રેકોર્ડ કરીશું, કેસ નોંધીશું અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને અહેવાલ મોકલીશું. એની ફરિયાદને આધારે અમે નિયમનો ભંગ કરનારને દંડ ફટકારીશું.