મુંબઈમાં મહાપાલિકા દ્વારા ડિમોલિશનઃ ડોમેસ્ટિક એરપોર્ટ નજીક 24 માર્બલ દુકાનોને જમીનદોસ્ત કરી

મુંબઈ – અત્રે વિલે પારલે ઉપનગરના ઈસ્ટ ભાગમાં ડોમેસ્ટિક એરપોર્ટ તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસમાં મુંબઈ મહાનગરપાલિકાએ દોઢ કિલોમીટર લાંબા દયાલદાસ રોડને પહોળો કરવાની કામગીરી મોટા પાયે હાથ ધરી છે. દયાલદાસ રોડનો એક છેડો 120 ફૂટ પહોળા રોડને મળે છે, રોડ સીધો એરપોર્ટના ટર્મિનલ-1ને કનેક્ટ કરે છે.

રોડને પહોળો કરવાની કામગીરીમાં વચ્ચે આવતી માર્બલની 24 દુકાનોને તોડી પાડવામાં આવી છે.

બીએમસીના અધિકારીઓએ પોલીસની મદદથી આ કાર્યવાહી હાથ ધરી હતી.

અનેક માર્બલ દુકાનોએ ગેરકાયદેસર રીતે અતિક્રમણ પણ કર્યું હતું. ઉપરની કાર્યવાહીમાં એ બધું તોડી પાડવામાં આવ્યું છે.

માર્બલના દુકાનદારોએ અતિક્રમણ કરીને અને માર્બલનો સ્ટોક ભરવા માટે રોડનો 50 ટકા જેટલો ભાગ કબજે કરી રાખ્યો હતો. બીએમસી દ્વારા એ રોડ હવે ક્લીયર કરી દેવામાં આવ્યો છે.

હાલ દયાલદાસ રોડની પહોળાઈ આશરે 30 ફૂટ છે જે વધારીને 90 ફૂટ કરવાનો નિર્ધાર છે.

આ રોડ જેમના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે તે K (ઈસ્ટ) વોર્ડના સહાયક કમિશનર પ્રશાંત સપકાળેએ કહ્યું કે દયાલદાસ રોડ પહોળો થવાથી એરપોર્ટ તરફનો ટ્રાફિક હળવો થશે એટલું જ નહીં, પણ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપર પણ ટ્રાફિકનો ભરાવો ઘટશે. દયાલદાસ રોડનો બીજો છેડો આ હાઈવેને કનેક્ટ કરે છે.

દયાલદાસ રોડને પહોળો કરવાનું કામ લગભગ 30 વર્ષથી પેન્ડિંગ હતું.