‘સંપર્ક ફોર સમર્થન’ ઝુંબેશઃ માધુરી, રતન ટાટા સાથે અમિત શાહે કરી મુલાકાત

0
981

મુંબઈ – 2019ની સાલની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પક્ષે દેશના મહત્ત્વના ક્ષેત્રોનો સાથ સહકાર મેળવવા માટે ‘સમર્થન માટે સંપર્ક’ નામે ઝુંબેશ આદરી છે. તેના ભાગરૂપે પક્ષના પ્રમુખ અમિત શાહ આજે મુંબઈ આવ્યા હતા અને બોલીવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત અને ઉદ્યોગપતિ રતન ટાટાને એમના નિવાસસ્થાને જઈને મળ્યા હતા.

બપોરે લગભગ 12 વાગ્યે મુંબઈ આવી પહોંચ્યા બાદ તરત જ શાહ માધુરી દીક્ષિત-નેનેને જુહૂ સ્થિત એમનાં નિવાસસ્થાને મળવા ગયા હતા. એ વખતે માધુરીની સાથે એમનાં પતિ ડો. શ્રીરામ નેને પણ ઉપસ્થિત હતાં. અમિત શાહની સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ રાવસાહેબ દાનવે પાટીલ પણ હાજર હતા.

માધુરીને મળ્યા બાદ શાહ સ્વરસામ્રાજ્ઞી ભારત રત્ન લતા મંગેશકરને પણ પેડર રોડ સ્થિત એમના નિવાસે મળવા જવાના હતા, પણ લતાજીની તબિયત નાદુરસ્ત હોઈ શાહે એ મુલાકાત રદ કરી હતી.

ત્યારબાદ શાહ ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને સખાવતી રતન ટાટાને કોલાબા સ્થિત એમના નિવાસસ્થાને મળવા ગયા હતા.

અમિત શાહે આ સેલિબ્રિટી વ્યક્તિઓને મળીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એમની ટીમે છેલ્લા ચાર વર્ષમાં કરેલા દેશહિતનાં કાર્યો વિશે તેમજ એનડીએ સરકારની સિદ્ધિઓ વિશે જાણકારી આપી હતી.

કેન્દ્ર તેમજ મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં શાસક ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહની આજની મુંબઈની મુલાકાત વ્યસ્ત રહી હતી.

અમિત શાહની મુંબઈ મુલાકાતનો બીજો હેતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના ચાર વર્ષના શાસનના દેખાવ અંગે શહેરની નામાંકિત વ્યક્તિઓને મળીને એમનું સમર્થન મેળવવાનો છે. સરકાર માટે દેશભરમાંથી સમર્થન મેળવવા માટે એમણે ‘સમર્થન માટે સંપર્ક’ ઝુંબેશ શરૂ કરી છે.

12 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર આગમન કર્યા બાદ શાહ સૌથી પહેલાં ભાજપના મુંબઈ એકમના પ્રમુખ આશિષ શેલારના બાન્દ્રાસ્થિત નિવાસે ગયા હતા. શેલારના માતાનું હાલમાં જ નિધન થયું હતું અને શાહે શેલાર તથા એમના પરિવારજનોને મળીને દિલાસો આપ્યો હતો.

ત્યારબાદ બપોરે 1 વાગ્યે બાન્દ્રામાં રંગશારદા ખાતે અમિત શાહ ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ રાવસાહેબ દાનવે પાટીલને મળ્યા હતા.

અમિત શાહની મુલાકાતોની તસવીરી ઝલક…