રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી છોડીને ક્યાંય જવાનો નથીઃ ભુજબળ

0
970

પુણે – અત્રે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના 20મા સ્થાપના દિન નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પક્ષના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન છગન ભુજબળે અનેક વિષયો પર એમનું મૌન આજે પહેલી જ વાર તોડ્યું છે. ભ્રષ્ટાચારને લગતા એક કેસમાં ભુજબળ હાલ જામીન પર છૂટ્યા છે.

ભુજબળ જીવલેણ બીમારીમાંથી સાજા થયા છે. તેઓ થોડાક અશક્ત જણાતા હતા, પણ ભાષણ કરતી વખતે એમનામાં પહેલાના જેવો જ જુસ્સો દેખાયો હતો. એમણે કહ્યું કે, સિંહ ઘરડો થાય તો પણ ઘાસ ન ખાય તેમજ વાંદરો બુઢ્ઢો થઈ જાય તોય ગુલાંટ મારવાનું ભૂલે નહીં.

આમ કહીને ભુજબળે સંકેત આપ્યો હતો કે પોતે સક્રિય રાજકારણમાં ફરીથી અને પહેલાની જેમ જ આક્રમકતાથી પુનરાગમન કરશે.

પોતાના ભાષણમાં ભુજબળે નોટબંધી, મહિલાઓની સુરક્ષા, પ્રત્યેકના બેન્ક ખાતામાં રૂ. 15 લાખ જમા કરવાની વાત અને વિકાસના મુદ્દાઓ પર વડા પ્રધાન મોદીની સરકાર પર પ્રહારો કર્યા હતા.

ભુજબળે કહ્યું કે, હવે હું બોલીશ અને આંદોલન કરવા માટે રસ્તા ઉપર પણ ઉતરીશ. એવું કહેવાય છે કે બચેંગે તો ઔર ભી લડેંગે. તો હું એમ કહીશ કે હમ બચે ભી હૈ ઔર લડતે રહેંગે.

ભુજબળે સ્પષ્ટતા કરી હતી કે પોતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને છોડીને ક્યાંય જવાના નથી. ‘પક્ષની બહાર શું કામ જવાનું? પક્ષમાં જ રહીને તમારે અને મારે જે ભુલો થઈ હોય એ સુધારવાની.’

ભુજબળે કહ્યું કે, મરાઠા સમાજને અનામત પ્રથાનો લાભ મળે એની હું તરફેણ કરું છું. અનામત પ્રથા સામે મારો ક્યારેય વિરોધ રહ્યો નથી. એ મુદ્દા પર જ મેં શિવસેના પાર્ટી છોડી હતી.