મુંબઈ-થાણેમાં ધોધમાર વરસાદઃ ભાતસા બંધના પાંચ દરવાજા ખોલી દેવાયા

મુંબઈ – પડોશના થાણે જિલ્લાના બંધ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી જોરદાર વરસાદ પડતાં બંધમાં પાણીની ઘણી આવક થઈ છે. બંધના પાંચ દરવાજા ખોલી મૂકવામાં આવતાં પાણીનો નિકાલ શરૂ થયો છે.

ભાતસા બંધ પરિસરમાં રહેતા લોકોને પહેલેથી જ સાવચેત કરી દેવામાં આવ્યા હતા.

ભાતસા બંધ પરિસરમાં 1 જૂનથી અત્યાર સુધીમાં 1867 મિ.મી. વરસાદ પડ્યો છે.

આજે સવારે બંધના 1, 3, 5 નંબરના દરવાજા 25 સેન્ટીમીટર જેટલા ખોલી દેવામાં આવ્યા હતા. એમાંથી68.67 ક્યૂસેક્સ પાણી વહેવાનું શરૂ થયું હતું.

બપોરે 3.30 વાગ્યા બાદ પાણીનો વેગ વધતાં બંધના 2 અને 4 નંબરના દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા હતા. 0.25 મીટર જેટલા ઉઘાડવામાં આવેલા દરવાજામાંથી 116.175 ક્યૂસેક્સ પાણી વહેતું થયું હતું.

ભાતસા જળાશય મુંબઈ શહેરને પીવાનું પાણી પૂરતું પાડતા સાત જળાશયોમાંનું એક છે અને સાતેય જળાશયોમાં આ સૌથી મોટું છે. મુંબઈને અડધા ભાગનું પાણી ભાતસા જળાશય પૂરું પાડે છે. છ જળાશય ક્યારના છલકાઈ ગયા છે. ભાતસા જળાશય 84 ટકા જેટલું ભરાઈ ગયું છે. તુલસી, વિહાર, મોડક સાગર અને તાનસા તળાવો તો જુલાઈના પહેલા પખવાડિયામાં જ ભરાઈ ગયા હતા. અપર વૈતરણા અને મિડલ વૈતરણા જુલાઈના અંત ભાગમાં છલકાઈ ગયા હતા. આમ, મુંબઈની એક વર્ષ સુધીની પીવાના પાણીની ચિંતા દૂર થઈ ગઈ છે.