મુંબઈમાં ‘બેસ્ટ’ બસકર્મચારીઓએ એમની બેમુદત હડતાળનું એલાન પાછું ખેંચ્યું

મુંબઈ – મહાનગરમાં મહાનગરપાલિકાના નેજા હેઠળ બસ સેવાનું સંચાલન કરતી ‘બેસ્ટ’ કંપનીના ડ્રાઈવરો, કંડક્ટરો સહિત તમામ કર્મચારીઓના સંગઠનોએ એમની આજે મધરાત શરૂ થનાર સૂચિત બેમુદત હડતાળનું એલાન પાછું ખેંચી લીધું છે.

અગાઉ એવા અહેવાલો હતા કે, કામદાર સંગઠનો અને વહીવતીતંત્ર સમિતિ વચ્ચેની મંત્રણા આજે નિષ્ફળ જતાં કર્મચારીઓ આજે મધરાતથી જ હડતાળ પર ઉતરી જશે. જો હડતાળ પડી હોત તો આવતી કાલથી મુંબઈગરાંઓની હાલત કફોડી થઈ જાત.

બેસ્ટ સમિતિના ચેરમેન અનિલ કોકિલ, જે શિવસેના પાર્ટીના છે, એમણે હડતાળ પર ન જવાની કામદાર સંગઠનોના નેતાઓને વિનંતી કરી હતી.

બેસ્ટ વહીવટીતંત્ર દ્વારા મુંબઈમાં બસો દોડાવવા માટે ખાનગી કોન્ટ્રાક્ટરોને લાવી રહ્યા હોવાથી તેના વિરોધમાં કર્મચારીઓ હડતાળ પર જવા વિચારતા હતા.

મુંબઈમાં દરરોજ આશરે 30 લાખ જેટલા લોકો બેસ્ટની બસો દ્વારા પ્રવાસ કરે છે. બેમુદત હડતાળ પડે તો મુંબઈવાસીઓને ભારે હાડમારીનો સામનો કરવો પડે.

શું છે બેસ્ટ કર્મચારીઓની ચિંતા?

મુંબઈ મહાનગરપાલિકામાં શાસન કરતી શિવસેના અને ભાજપની યુતિના નગરસેવકો બેસ્ટ કમિટીમાં મોટી સંખ્યામાં છે. એમણે વેટ-લીઝ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ કરાર અંતર્ગત ખાનગી કોન્ટ્રાક્ટરો રૂ. 612 કરોડનો ખર્ચ કરીને સાત વર્ષમાં 450 બસો મુંબઈના રસ્તાઓ પર ઉતારશે. આમાંની 200 બસ એરકન્ડિશન્ડ મિની, 200 નોન-એસી મિની અને 50 મિડી બસો હશે.

આ હડતાળમાં શિવસેના પાર્ટીનું યૂનિયન સામેલ થયું નહોતું.

બેસ્ટ કમિટીએ મુંબઈમાં બસો દોડાવવા માટે ખાનગી કોન્ટ્રાક્ટરોને રોકવાના પ્રસ્તાવને ગયા સોમવારે મંજૂરી આપી હતી. એને કારણે બેસ્ટ કર્મચારીઓ રોષે ભરાયા છે.

વેટ-લીઝ વ્યવસ્થા એવી હોય છે જેમાં કોન્ટ્રાક્ટર બેસ્ટ કંપનીને માત્ર વાહનો જ નહીં, પણ ડ્રાઈવરો પણ પૂરાં પાડશે. નવી બસોનો પહેલો જથ્થો આ વર્ષના મે મહિનાના અંત ભાગમાં રસ્તા પર ઉતરશે. બાકીનો જથ્થો જુલાઈના અંત સુધીમાં મળશે. આનો મતલબ એ કે એરકન્ડિશન્ડ બસો ફરી રસ્તા પર દોડતી થશે, જે એકાદ વર્ષથી બંધ કરવામાં આવી છે.