ઔરંગાબાદ મહાનગરપાલિકામાં વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવાનો ઈનકાર કરનાર MIMના સભ્યની ધુલાઈ

0
1533

ઔરંગાબાદ – ગુરુવારે અવસાન પામેલા ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના માનમાં આજે ઔરંગાબાદ મહાનગરપાલિકા ગૃહમાં રજૂ કરાયેલા એક પ્રસ્તાવનો વિરોધ કરનાર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદઉલ મુસ્લિમીન (AIMIM) પાર્ટીના એક નગરસેવકની શિવસેના અને ભાજપના નગરસેવકોએ મળીને ધુલાઈ કરી હતી.

શિવસેનાના કોર્પોરેટર રાજુ વૈદ્યએ ભારત રત્ન તથા ભારતીય જનતા પાર્ટીના મહાન નેતા અટલબિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવાની વિનંતી કરતો એક પ્રસ્તાવ ગૃહમાં રજૂ કર્યો હતો. પરંતુ AIMIM પાર્ટીના સૈયદ મતીને એનો વિરોધ કર્યો હતો. એને લીધે શિવસેના અને ભાજપના સભ્યો રોષે ભરાયા હતા, એવો મરાઠી અખબાર ‘સામના’માં અહેવાલ છે.

મતીને વિરોધ કરતાં ગૃહમાં ઉહાપોહ મચી ગયો હતો અને શિવસેના તથા ભાજપના સભ્યોએ ભેગા મળીને મતીનની ગૃહની અંદર જ મારપીટ કરી હતી.

વિડિયો પરથી જોઈ શકાય છે કે મતીનને જમીન પર પછાડવામાં આવ્યા હતા અને એ માથા પર હાથ મૂકીને ગૃહની બહાર જતા હતા. એના પરથી એવું લાગ્યું હતું એમને માથા પર ઈજા થઈ હતી.