અંધેરી રેલવે પૂલ દુર્ઘટનામાં ઘાયલ થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનોજ મહેતાનું નિધન

મુંબઈ – અંધેરી ઉપનગરમાં ગઈ 3 જુલાઈએ સ્ટેશનની નજીકના ગોખલે રોડ ઓવરબ્રિજનો હિસ્સો તૂટી પડતાં ઘાયલ થયેલા મનોજ મહેતા નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું રવિવારે વિલે પારલેની નાણાવટી હોસ્પિટલમાં નિધન થયું છે.

52 વર્ષીય મહેતા દુર્ઘટના વખતે ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્રણ અઠવાડિયાથી વેન્ટીલેટર પર હતા. મોત સામેના એમના જંગનો રવિવારે સાંજે અંત આવી ગયો હતો. એમના પરિવારમાં એમના પત્ની અને બે દીકરી છે.

3 જુલાઈની સવારે લગભગ 7.30 વાગ્યે રોજની જેમ મહેતા અંધેરી-દહાણૂ રોડ લોકલ પકડવા માટે ઘેરથી નીકળ્યા હતા અને અંધેરીના 8 નંબરના પ્લેટફોર્મ પર આવનારી ટ્રેનની રાહ જોતા ઊભા હતા. એ જ વખતે ધડાકા સાથે ઉપરના પૂલનો હિસ્સો તૂટી પડ્યો હતો. કેટલોક કાટમાળ મહેતા જ્યાં ઊભા હતા એ સ્ટેશન ઉપર, મહેતાની ઉપર પડ્યો હતો. મહેતાને કરોડરજ્જુ, પેટ અને છાતીમાં સખત માર વાગ્યો હતો. એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં એમની પર બે સર્જરી કરવામાં આવી હતી, પણ એમની હાલત વધારે બગડી હતી. છેવટે રવિવારે સાંજે લગભગ 7.30 વાગ્યે એમનું નિધન થયું હતું.

મનોજ મહેતા પાલઘરમાં એક જાણીતી કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરતા હતા અને પાલઘર શહેરમાં રોટરી ક્લબના ભૂતપૂર્વ પ્રમુખ પણ હતા. તેઓ અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા.

અંધેરી પૂલ દુર્ઘટનામાં આ બીજું મરણ થયું છે. આ પહેલાં અસ્મિતા કાટકર નામના 36 વર્ષીય એક મહિલાનું ગંભીર ઈજાને કારણે વિલે પારલેની કૂપર હોસ્પિટલમાં નિધન થયું હતું.