મુંબઈમાં બધી લોકલ ટ્રેનો 15-ડબ્બાની કરવાનો રેલવે પ્રધાન પીયૂષ ગોયલનો આદેશ

મુંબઈ – રેલવે પ્રધાન પીયૂષ ગોયલે પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેના સિનિયર અધિકારીઓને આદેશ આપ્યો છે કે મુંબઈમાં બધી જ લોકલ ટ્રેનો 15-ડબ્બાની હોવી જોઈએ.

હાલ મોટા ભાગની ટ્રેનો 12-ડબ્બાની છે. અમુક ટ્રેનો 15-ડબ્બાની છે તો અમુક 9-ડબ્બાની દોડાવવામાં આવે છે.

ગોયલે અત્રે સત્તાવાર સહ્યાદ્રી ગેસ્ટહાઉસ ખાતે રેલવેના સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને એમાં તેમણે ઉપર મુજબનો આદેશ આપ્યો હતો.

એમનું કહેવું છે કે બધી લોકલ ટ્રેનો 15-ડબ્બાની કરી દેવાથી ટ્રેનોની ક્ષમતા 25 ટકા વધી જશે.

પશ્ચિમ રેલવે વિભાગ પર સવાર-સાંજ ધસારાના કલાકો દરમિયાન 12-ડબ્બાની એક લોકલ ટ્રેન 3,000 પ્રવાસીઓને સફર કરાવવાની એની ક્ષમતા સામે 5,500 પ્રવાસીઓને સફર કરાવે છે.

જ્યારે 15-ડબ્બાની એક ટ્રેન આશરે 4,200ની ક્ષમતાની સામે ધસારાના કલાકો દરમિયાન 7000 લોકોને પ્રવાસ કરાવી શકે છે.

હાલ પશ્ચિમ રેલવે પાસે 105 ટ્રેનો છે. એમાં 15-ડબ્બાવાળી માત્ર પાંચ જ ટ્રેન છે.

પશ્ચિમ રેલવે દરરોજ લોકલ ટ્રેનોની 1,365 ફેરીઓ કરે છે. 15-ડબ્બાની ટ્રેનો માત્ર 54 ફેરીઓ કરે છે.

મધ્ય રેલવે તેના મુંબઈ ઉપનગરીય નેટવર્ક પર (મેઈન અને હાર્બર લાઈનો પર) દરરોજ ટ્રેનોની 1,772 ફેરીઓ કરે છે. એની પાસે 133 ટ્રેનોનો જે કાફલો છે એમાં 15-ડબ્બાવાળી માત્ર એક જ ટ્રેન છે.

પશ્ચિમ રેલવે તેના સબર્બન નેટવર્ક પર એક એરકન્ડિશન્ડ ટ્રેન પણ દોડાવે છે, જે 12-ડબ્બાની છે.

આવતા મહિને આ વિભાગ પર એક વધુ એસી ટ્રેન દોડાવવામાં આવશે. જ્યારે મધ્ય રેલવેને તેની પહેલી એસી ટ્રેન આવતા વર્ષના જૂનમાં મળે એવી ધારણા છે.

મુંબઈમાં બધી લોકલ ટ્રેનોને 15-ડબ્બાની કરવાના પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટેની મહેતલ વિશેનો અહેવાલ બે અઠવાડિયામાં સુુપરત કરવાનો પીયૂષ ગોયલે સિનિયર અધિકારીઓને આદેશ આપ્યો છે.

પશ્ચિમ અને મધ્ય, બંને વિભાગના સબર્બન નેટવર્ક પર ફાસ્ટ કોરિડોરને 15-ડબ્બાની ટ્રેનોમાં કન્વર્ટ કરવામાં આવશે અને ધીમે ધીમે સ્લો-લાઈન ઉપર પણ લાગુ કરાશે.